દામનગરમાં નગરપાલિકાના પીવાના પાણીનો બેફામ વેડફાટ કાયમી જાવા મળ્યો છે. એક તરફ સરકાર જળ બચાવો અભિયાન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે અને નલ સે જલ યોજનાથી પીવાનું પાણી છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડવા ઝૂંબેશો ચલાવે છે. ત્યારે દામનગર પાલિકા તંત્ર ઘોર બેદરકારી દાખવી આ અભિયાનનો ફિયાસ્કો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. શહેરની એસબીઆઈ બેંક પાસેથી સરદાર ચોક સુધીની બજારોમાંથી પીવાનું મીઠું પાણી સીધુ ગટરમાં જઈ રહ્યું છે. શહેરની લુહાર શેરીમાં પાલિકા દ્વારા પીવાના પાણીની લાઈન શરૂ કરવામાં આવે ત્યારે વરસાદના પાણીની સમાંતર પાલિકાનું પાણી શેરીઓમાં વહેતું જાવા મળે છે. આ અંગે પાલિકા તંત્ર અનેક મિલ્કતધારો મકાન બંધ કરી અન્ય શહેરોમાં જતા રહ્યા હોય અને નળ શરૂ રહી ગયાનું જણાવી લૂલો બચાવ કરી રહી છે. પરંતુ જે પણ હોય, પાણીનો આવો વેડફાટ ક્યાં સુધી ચાલશે? ત્યારે પાલિકા તંત્ર પીવાના મીઠા પાણીનો વેડફાટ થતો અટકાવે તેવી માંગ ઉઠવા પામી છે.