વડીયાના મેઘા પીપળીયા ગામે રહેતા મેઘાભાઈ ભીમાભાઈ ખુમાણ (ઉ.વ.૬૫)એ તરઘરી ગામે રહેતા જેન્તીભાઈ મેઘાભાઈ ખુમાણ તથા ગીતાબેન જેન્તીભાઈ ખુમાણ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના મોટા દીકરા વિનોદભાઇની દીકરી સોનલબેને મેઘા પીપળીયા હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને તેના લગ્ન કર્યા હતા. જેથી રેશનકાર્ડમાં નામ ચડાવવા માટે તેના સ્કૂલના સર્ટી.ની જરૂર હોવાથી તેઓ હાઇસ્કૂલમાં સર્ટી કાઢાવવા આવ્યા હતા. ત્યાં જેન્તીભાઈ મેઘાભાઈ ખુમાણ નોકરી કરતા હતા, જે તેમની સાથે બોલતા નહોતા. જેથી તેમણે તેને વાત કરી નહોતી. જે વાતનું મનદુઃખ રાખી હાથમાં લાકડી લઇને ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી જેમ ફાવે તેમ ગાળો આપી હતી ઉપરાંત કાંઠલો પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.પી. ધાધલા વધુ તપાસ કરી રહ્યા છે.