અમરેલીના તરકતળાવમાં સરપંચપદે ઉમેદવારી નોંધાવનાર યુવા ઉમેદવાર મનસુખભાઇ સાંગાણીએ સુરતમાં નાના વરાછા વિસ્તારમાં યોજાયેલ સ્નેહસભામાં હાજરી આપી હતી. જ્યાં પણ તરકતળાવના વતનીઓનો મનસુખભાઇ સાંગાણીને ટેકો જાહેર કરાયો હતો.
મનસુખભાઇ સાંગાણીએ સ્નેહસભામાં વાત કરતા જણાવ્યું હતું કે, તરકતળાવ ગામ માત્ર ગામડું નહીં, પરંતુ ગોકુલગામ બને તેમજ ખોટા વચનો, લાલચ કે કોઇ પ્રકારના પ્રલોભનો વગર માત્રને માત્ર પાયાની જરૂરિયાત ઉભી કરી ગામનો વિકાસ ઉત્તરોત્તર થતો રહે એ માટેના પ્રયત્નો સૌ સાથે મળીને કરીએ. તેમજ આવનારી પેઢીને વતન પ્રત્યે પ્રેમ, લાગણી અને ગૌરવ થાય તેવા શુભ સંકલ્પો સાથે “હું તરકતળાવનો અને તરકતળાવ મારૂં” એવી ભાવના દ્રઢ થાય તેવા વ્યવહારુ મુદ્દાનું અમલીકરણ ખૂબ સારી રીતે થાય તેવા નિર્ધાર સાથે મનસુખભાઇએ પોતાની વાત કરી હતી. જે વાત વતનપ્રેમીઓએ વધાવી લીધી હતી. આ તકે અમદાવાદથી દિપકકુમાર સાવલીયા સહિત વતનપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.