જિલ્લામાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સરપંચપદે ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી રહ્યા છે અને વિકાસ કાર્યો, ગ્રામજનોને પડતી સમસ્યાઓ દૂર કરવાના વચનો આપી મત આપવા અનુરોધ કરી રહ્યા છે. અમરેલીની તરકતળાવ ગ્રામ પંચાયતના યુવા સરપંચ ઉમેદવાર કૌશિકભાઇ દુધાતે આજે તેમનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં ૧૮ મુદ્દાઓનું વચન આપી તેમને ચૂંટી કાઢવા તેમના ચૂંટણી ચિન્હ ‘પાણીની ટાંકી’નું બટન દબાવવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. કૌશિકભાઇ એક યુવા ઉમેદવાર છે અને ઉત્સાહી છે ત્યારે ગ્રામજનો દ્વારા તેમને જબરૂ સમર્થન મળી રહ્યું છે.
કૌશિકભાઇ દુધાતે તેમના ચૂંટણી ઢંઢેરામાં ગામમાં વિવિધ વિકાસ કાર્યો, સેવાકાર્યો કરવાના વચન આપ્યા છે. જેમાં વૃદ્ધ વડિલો માટે અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવશે, સ્કૂલમાં દરેક જગ્યાએ પેવર બ્લોક સાથે નવું રૂપ અપાશે, નિશાળથી રાજસ્થળીના રોડ પર નાળુ બનાવાશે, પાદરથી ગામ તરફ જવાનું નાળું નવું બનાવાશે, બાપા સીતારામ (મઢુલી)થી રામબાપાના સ્થાન સુધી રસ્તો બનાવાશે, સંપૂર્ણ રહેણાક ગ્રામ્ય વિસ્તારમાં પેવર બ્લોક નંખાશે, ગામમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા થશે, જરૂરી જગ્યાએ કચરા પેટીની વ્યવસ્થા થશે, કાયમી કે ચોક્કસ સમય નક્કી કરી મંત્રીની નિમણૂક કરાશે, ૭/૧ર અને ૮/અ ની નકલ ગ્રામ પંચાયત ઓફિસેથી જ ઉપલબ્ધ કરાવાશે સહિતના વિકાસ કાર્યો કરવાનું તેમણે વચન આપ્યું છે. ત્યારે ગ્રામજનો પણ આ યુવા સરપંચને વિજયી બનાવે તેવું હાલ તેમના સમર્થકોની સંખ્યા જાતા લાગી રહ્યું છે.