(1) મારી આબરૂ ક્યાંક ખોવાઈ ગઈ છે. ક્યાં શોધું?

વસંતભાઈ જેરામભાઈ (કડી)

ખોવાઈ ગઈ હશે તો પાછી આવી જશે,ધોવાઈ ગઈ હશે તો પૂરું !

(2)લવ કરવો તેના કરતાં બે વીઘા ઘઉં કરવા વધુ સારું એવું કેમ ?

જીગર યાદવ (દાત્રાણા-પાટણ)

ઘઉં કરવા કરવા ને બે જ વીઘા જમીનમાં શું કરવા? કે લવ કરવામાં બાકીની જમીન વેચાઈ ગઈ?!

(3) પહેલાની અને અત્યારની નોકરીમાં શું તફાવત?

શિવાંગ અનિરુદ્ધભાઈ (અમરેલી)

પહેલા નોકરીમાં પગાર હતો, હવે પેકેજ હોય છે.

(4)દીકરી વ્હાલનો દરિયો તો પછી દીકરો દીવ, દમણ ને  ગોવાનો દરિયો ?

મહેન્દ્ર મકવાણા સોખડા રાધુ (કરજણ વડોદરા)

તમારે ત્રણ દીકરા લાગે છે!

(5)વોટ્સએપમાં સ્ત્રીઓ પતિ માટે માય લાઈફલાઇન, માય હબ્બી એવું કેમ લખતી હશે?

ચોવટિયા વૈશાલી (જસદણ)

બાજુવાળા બહેનને વોટ્સએપ બતાવવા…!

(6) સર, તમે લેખક છો કોરોનાને લાડ લડાવવા શું લખી શકો?

રમેશચંદ્ર દવે (ફતેપુર)

અપશબ્દો.

(7)ભૂતકાળમાં આપણા દેશમાં વિદેશી લોકો આવ્યા એ બધા અહીં જ રહેવા લાગ્યા એનું કારણ શું હશે?

રામભાઈ પટેલ (સુરત)

કારણ કે પરદેશી પરદેશી જાના નહિ… એ ગીત કોઇને કોઇ સ્વરૂપે આપણે ત્યાં ભૂતકાળથી ગવાતું રહ્યું છે.

(8)વીજળીના ચમકારે મોતીડું પરોવતા હશે કે મોતીડા?

ભીખુભાઈ ભુવા (ગળકોટડી)

જેવી જેની ઝડપ..! ઘણાય તો વીજળી થાય ત્યારે સોઈ દોરો ને મોતી ગોતવા દોડે..!

(9)પત્ની નારાજ થઈ જાય તો મનાવવા માટે શું કરવું જોઈએ?

હરપાલસિંહ જે.ઝાલા (ભોયકા-લીંબડી)

આ સાર્વજનિક સમસ્યાના સમાધાન માટે અમે ટૂંક સમયમાં કલાસીસ શરૂ કરવા જઈ રહ્યા છીએ..! જેમાં દેશભરના મનાવવાના જાણીતા નિષ્ણાતો માર્ગદર્શન આપશે.

(10) તમે વરસાદને પત્ર લખો એટલે વરસાદ આવે.

ચાંદની એમ.ધાનાણી (અમદાવાદ)

વરસાદને મેં પત્ર લખેલો એટલે એણે ફોન કરીને કહ્યું કે હું તમારી કોલમમાં કાઈ ઘોંચપરોણો નહિ કરું… તમારે પણ મારે ક્યારે વરસવું એ શિખામણ નહિ આપવાની.

(11) રામાયણ કે મહાભારત જેવા મહાન ગ્રંથો હવે ક્યારે લખાશે?

તારકભાઈ વ્યાસ (સુરત)

હું હમણાં લખવાનું સાહસ કરી નાખું પણ તમે એ વાંચવાનું સાહસ કરશો?

(12)સહી કરવામાં હસ્તાક્ષર એમ લખ્યુ હોય છે,ખરેખર અક્ષર હસતા  હશે?

ભાવેશ ડાંગર (ગળકોટડી)

અક્ષર ન હસે પણ આપણા અક્ષર જોઈને આખું ગામ હસે એટલે હસ્તાક્ષર એમ લખ્યું હોય છે.

(13) તમને હમણાં હસવું આવ્યું હોય એવી કોઈ ઘટના કહેશો?

કાવ્યા પરેશભાઈ (મહુવા)

એક બેન એના પતિને કહેતાં હતાં,’ જુઓ, મારા માટે રેડ ચટ્ટાક સાડી લઈ આવી છું.’

(14) ચોમાસાની  શરૂઆત થઈ રહી છે …તમે નવી છત્રી લીધી હશે ને?

પરમાર સુભાષ ઘનશ્યામભાઈ (મોટા લીલિયા)

આ વખતે તારક મહેતા સિરિયલવાળા પોપટલાલે મને ગિફ્ટમાં છત્રી મોકલી છે.

(15) કહેવાય છે કે લગ્નમાં સાત ફેરા હોય છે તો બાકીનાં ત્રણ ફેરાનું શું?

કનુભાઈ લિંબાસિયા ‘કનવર'(ચિત્તલ)

આપણે ત્યાં ચાર ફેરાથી પણ સંસાર સરસ ચાલે છે એટલે બાકીના ત્રણ નહિ ફેરવતા હોય..! તમારે રોટલાનું કામ છે કે ટપાકાનું?