ચાલો, માની લઈએ કે કેટલાક વાલીઓના કાન બહેરા થયા છે. પરંતુ તેની આંખો ? આંખોને માસૂમ બાળકોના આંસૂઓ કેમ નથી દેખાતા ? સંતાનોના ડૂમાઓ અને ડૂસકાઓ પથ્થરદિલ વાલીઓના હૈયે કેમ નથી ભોંકાતા ? અરે કોઈ છે – કે આવા માસૂમ બચ્ચાઓની ચીસોને યોગ્ય મંજિલ આપાવે ? ન્યાય અપાવે ?
કોઈ વખત થાય કે એક આખી વાલીઓની વણઝાર માર્ગ ભૂલેલા પથિકની જેમ નીકળી પડી છે. કેળવણીની કેડીએ નીકળેલા કેટલાક વાલીઓનો ભૂલ ભરેલો રસ્તો છે, તે વચ્ચે વચ્ચે milestone વાંચીને પાછા કેમ નથી ફરતાં ?  આવા તૃષ્ણાખોર વાલીઓના દિલોદિમાગમાં એક ચાબૂક છે. આવી ચાબૂક કોઈ વખત આંખોથી તો કોઈ વખત શબ્દોથી કે હાથથી ચલાવી બાળકો પાસે ‘એ ફોર ગોખાવે છે.’
ઓ વાલીઓ પાછા વળો. પાછા વળો. સવારનો ભૂલેલો સાંજે પાછો ફરે તેને ભૂલો નથી કહેવાતો. કેળવણીને પામવા ધૈર્ય  જોઈએ. અહીં શિક્ષણ મેળવવાની ધક્કામૂક્કીમાં કંઈક તમારા સંતાનોનું તમે અહિત નોતરી ન બેસતા. તુલનાઓના ત્રાજવે સંતાનોને બેસાડીને બાળક હાંફી જાય ત્યાં સુધી ભણાવ ભણાવ ન કરશો.
યાદ રહે… ભણતર બે પુસ્તકના પન્ના વચ્ચેનું વિખરાયેલું નથી. પુસ્તક એ તો દીવાદાંડી કે milestone છે. હજુ તો હસવાની ઉંમર છે અને વાલીઓ પોપટિયા જ્ઞાન મેળવવા માટે સંતાનો સાથે જબરજસ્તી કરે. આવા અન્યાયી બાળકોને કોણ અદાલતમાં લઇ જઇને ન્યાય અપાવશે.
એક વિડિઓમાં  બાળક રડતું રડતું કહે કે પહેલા તમે મારી વાત સાંભળો મને ટ્યુશનમાં ન આવડે મને ઘરે આવડે. સાવ નાનાં બાળકોના આંસુઓ ટ્યુશન માં ધક્કો મારતા વાલીઓ  માટે આ લાલબત્તી સમાન સંદેશ છે. આપણે માર્ગ ભૂલ્યા છીએ. મંઝિલ છે કેળવણી પામવાની કિન્તુ પંથમાં વપરાયેલું હોકાયંત્ર વિરુદ્ધ દિશામાં ગતિમાન બનાવીને ગુમરાહ કરે છે. દોરડા કૂદવાની ઉંમરે આવા અંધકાર ઉલેચેવાના કામમાં ધકેલાતા વાલીઓને આતંકી ઘેલછા ક્યાં જઈને અટકશે ?  ચાલો, સૌ સાથે મળીને એક પ્રાણવાન સમાજની રચના કરીએ. જેમાં બાળકોનો માત્ર ખિલખિલાટ હોય. જેમાં બાળકોનો પમરાટ હોય. જેમાં બાળકોની જાણવાની, માણવાની,  પામવાની અને ભણવાની તાલાવેલી હોય. ચાલો, આપણે સૌ સાથે મળીને એક એવી શાળાની રચના કરીએ કે જેમાં પ્રવેશવા માટે બાળક વહેલું વહેલું તૈયાર થઈને શાળામાં કૂદતું ફૂદતું પ્રવેશે. નિશાળ પૂર્ણ થાય તો પણ ખસવાનું મન ન થાય એવી નિશાળ બનાવીએ  બાળકને સ્વપ્નમાં પરીઓને બદલે શાળા આવે. ચાલો, આપણે સૌ કેળવણીને પામવાં ધેર્ય ધારણ કરી સંતાનોને કેળવીએ. સંતાનોના દિલમાં એ ફોર એપલ ને બદલે એ ફોર આનંદ સર્જીએ.
खोया पाया तू ने हैं क्या
अब तू काहे गिनती करे
जीना था जब जिया नहीं
अब जीने की बिनती करे
जीवन फिर से मिलना नहीं
जिले जिले जिले अभी
ये जिंदगी है बारिश की छड़ी
कतरा कतरा पिले अभी ।