(૧) દિવસમાં કેટલી વાર હસવું જોઈએ?
જીગર યાદવ (દાત્રાણા-પાટણ)
સામેવાળા પાગલ ન ગણવા માંડે એટલી વાર!
(૨) પોલીસ જુગારની જે રકમ પકડે એ ક્યાં જતી હશે?
રમેશભાઈ મુંજપરા (અમરેલી)
કોઈ પોલીસ મળશે અથવા પકડાયેલો જુગારી છૂટયા પછી મળશે એટલે એને પૂછીને કહીશ.
સવાલના અંતે પ્રશ્નાર્થ ચિન્હ આવે અને જવાબ પછી પૂર્ણવિરામ આવે.
(૩) પોરબંદર એવું બોલો ત્યારે તમને કોણ યાદ આવે, ગાંધીજી કે સુદામા?
રાજ જોશી (પોરબંદર)
ક્યારેક ક્યારેક તો એ બેને બદલે તમે યાદ આવો છો.
(૪) તમે ક્યારેય ભૂલા પડ્‌યા છો?
દર્શન પટેલ (વડોદરા)
હા, હું તો બીજા ગ્રહ ઉપર જવા નીકળ્યો હતો!
(૫) આળસની કોઈ દવા ખરી?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
આપુ પણ દવા લેવાની આળસ કરશો તો?
(૬) ભીમ અગિયારસના દિવસે જુગાર કેમ રમાય છે?
કટારિયા અમીત હિંમતભાઈ (કીડી)
પ્રશ્ન એ છે કે ભીમ અગિયારસના દિવસે જ કેમ પકડાય છે?!
(૭) સાંભળેલું છે કે પાકિસ્તાનમાં ગધેડાની પણ ખૂબ ઊંચી કિંમત છે?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
એ પાકિસ્તાન અને ગધેડાનો આંતરિક મામલો છે!
(૮) ઝેરની એક્સપાયરી ડેટ જતી રહે તો એ વધારે ઝેરીલું થાય છે કે ઓછું?
એકતા પી. ધોળકિયા “આસ્થા”(બાબરા)
કેરીની સિઝનમાં આવો ઝેરી પ્રશ્ન?!
(૯) હવા અને પવન બંને એક સાથે આવે કે અલગ અલગ?
કટારીયા આશા એચ. (કીડી)
ગરમી અને બફારો એકસાથે થાય કે અલગ અલગ?
(૧૦) કરેલા પાપ ધોવા માટે કયો સાબુ વપરાય ?
મહેન્દ્ર મકવાણા સોખડા રાધુ (કરજણ વડોદરા)
કરેલા પાપોની યાદી મોકલશો. જે પાપને જે સાબુ લાગુ પડતો હશે એના નામ મોકલી દઈશું.
(૧૧) બાથટબમાં બોરના પાણી સાથે ગંગાનું થોડુ પાણી રેડીને નાહી લઈએ તો પાપ ધોવાઈ જાય ?
કનુભાઈ પરમાર (દામનગર)
પાપની સાઈઝ જોવી પડે.
(૧૨) શિક્ષણની ગુણવત્તા સુધારવા આપે મહત્વપૂર્ણ ભૂમિકા શું ભજવી ?
ડાહ્યાભાઈ આદ્રોજા (લીલીયા મોટા)
એક દિવસ એક શિક્ષકનું મોટરસાઇકલ ખોટવાઈ ગયું ત્યારે એને હું સ્કૂલે મૂકી આવ્યો હતો!
(૧૩) એમ કહેવાય છે કે મારી મારી ને મતિરાળા બતાવી દીધું. તમે આવી રીતે ક્યારેય મતિરાળા જોયું છે?
હરિભાઈ ધોરાજિયા (લીલિયા મોટા)
હું નથી ગયો પણ એકવખત તમારું કામ હતું અને હું તમારા ઘેર આવ્યો ત્યારે એવો જવાબ મળ્યો હતો કે હરિભાઈ મતિરાળા ગયા છે !
(૧૪) જો સરકાર જાહેર કરે કે એક વૃક્ષ વાવે તેને દારૂની એક બોટલ મફત તો?
સરદારખાન મલેક (મહેસાણા)
તો નથી પીતા એ વૃક્ષ વાવતા બંધ થઈ જાય!
(૧૫) વરસાદ આવતો આવતો પાછો રીસાઈ કેમ ગ્યો?
નિદા નસીમ (ઉના)
રિસાઈ નથી ગયો, ભીંસાઈ ગયો છે.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..