(૧)માણસનું સર્જન ન થયું હોત તો તમારી આ કોલમ કેવી રીતે ચાલત?
કનુભાઈ લિંબાસિયા ‘કનવર’, ચિત્તલ હાલ કેનેડા)
તો હું ભગવાનના પ્રશ્નોના જવાબ આપતો હોત!
(૨)તમે કુંવારા છો?
રાજુભાઈ ખાનપરા (ઉપલેટા)
હું ભૂતપૂર્વ કુંવારો છું!
(૩)બે નંબરની આવક એટલે કેવી આવક?
જય દવે (ભાવનગર)
એક નંબરની આવક સિવાયની બધી આવક.
(૪)તમે આ કોલમથી લોકોને ખૂબ હસાવો છો. તમને ઈશ્વરના આશીર્વાદ મળશે.
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
તમે પણ રાજી થયા હોત તો પાન મોકલ્યું હોત!
(૫)તમારી કોલમ છાપતી વખતે પ્રેસમાં લોકો હસતા હશે?
રમાબેન પટેલ (અમદાવાદ)
એક રાત્રે હું સંજોગ ન્યુઝ કાર્યાલય પાસે નીકળ્યો તો હા.. હા.. હા.. હા.. હા.. હા.. હા.. હા.. એવો અવાજ સંભળાયો હતો!
(૬)) હું બહુ દુઃખી છું પણ મારે દુનિયાને સુખી હોઉં એવું દેખાડવું છે. કોઈ ઉપાય બતાવો.
રામભાઈ પટેલ (સુરત)
ધ્રુસકે ધ્રુસકે દાંત કાઢો.
(૭)ડુંગળી કાપીએ ત્યારે આખો કેમ રડે છે ?
હાફીઝ રિયાઝ સેલોત (રાજુલા)
આખેઆખી ખાવાનું રાખો.
(૮)હવે બા અને બાપા પોતાના બાળકોને વાર્તા કેમ નહિ સંભળાવતા હોય?
જયશ્રીબેન બી મહેતા (કોટડાપીઠા)
અત્યારના બાળકો સ્માર્ટ થઈ ગયા છે. બા કે બાપા અર્ધી વાર્તા કહે ત્યાં બાળક બોલે કે પછી રાજાએ બીજા લગ્ન કર્યા હે ને દાદા?!
(૯)તમારી કોલમ અઠવાડિયામાં બે વખત ન આપી શકાય?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
સંજોગ ન્યુઝ પરિવાર હોંશિયાર છે. એ લોકો એક અઠવાડિયામાં પોતાના વાચકોને બે વાર કંટાળો આવે એવું ક્યારેય ન થવા દે.
(૧૦)આ…રામ અને હે… રામ . બેઉંમાં ફેર શું?
ડાહ્યાભાઈ આદ્રોજા (લીલિયા મોટા)
માત્ર આરામ કરતાં પતિને જોઇ ને પત્નીનાં મુખમાંથી બોલાઈ જતો શબ્દ છે હે રામ!
(૧૧)” મને કંઈક થાય છે”. – એ બીમારીનો કોઈ ઈલાજ ખરો?
એકતા અક્ષય મેરુલીયા ( ભાવનગર)
હા, ઘડીક સૂઈ જા, હમણાં મટી જશે.
(૧૨)સાહેબ.! સાઈકલ મારી સર..ર…ર.. જાય તો ગાડી કેમ જાય..?
ધોરાજીયા ઘનશ્યામભાઈ એન. (સાજણટીંબા)
નવી લીધી લાગે છે, હે ને?!
(૧૩)દુધી ખાવાથી બુદ્ધિ વધે?
આસિફ કાદરી (રાજુલા)
તો તો દુધી વેચવાવાળાનાં છોકરા આઈન્સ્ટાઈનના છોકરા સાથે ન રમતા હોય?!
(૧૪) રોતે રોતે હસના શીખો તો હસતે હસતે ક્યાં શીખે..!
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
હસતે હસતે હિન્દી બોલના!
(૧૫)બેટરીવાળી ગાડી કરતાં બેટરીવાળા બુટ જ આવી જાય તો કેવું સારું?
કનુભાઈ પરમાર (દામનગર)
બૂટની બેટરી કેટલી ટકે ભાઈ! કૂતરું પાછળ દોડે ત્યાં બૂટમાં મેસેજ આવે: બેટરી લો!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..