તમિલનાડુની રાજધાની ચેન્નાઈના નશા મુક્તિ કેન્દ્રમાં એક વ્યક્તિને ઢોરમાર મારીને હત્યા કરવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૃતકની ઓળખ ૪૮ વર્ષીય એમ રાજ તરીકે થઈ છે, જેને પરિવાર દ્વારા દારૂની લતમાંથી મુક્તિ મેળવવા માટે મદ્રાસ કેર રિહેબ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકને અગાઉ પણ આ નશા મુક્તિ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની તબિયતમાં સુધારો થતાં તેને રજા આપવામાં આવી હતી. ઘરે પહોંચીને, મૃતકે ફરીથી પીવાનું શરૂ કર્યું, ત્યારબાદ પરિવારના સભ્યોએ તેને ૨ મે ના રોજ ફરીથી તે જ કેન્દ્રમાં દાખલ કર્યો. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે નશા મુક્તિ કેન્દ્રમાં ફરીથી દાખલ કર્યાના થોડા સમય બાદ ત્યાંથી ફોન આવ્યો કે એમ રાજનું મૃત્યુ થયું છે.
પરિવારનું કહેવું છે કે જ્યારે તેઓ નશા મુક્તિ કેન્દ્ર પહોંચ્યા અને એમ રાજનું શરીર જાયું તો તેમના શરીર પર મારના ઊંડા નિશાન હતા. આ પછી પરિવારજનોએ પોલીસને બોલાવી. પોલીસે મૃતદેહનો કબજા મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે જ્યારે એમ રાજને ફરીથી નશા મુક્તિ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે તેણે ત્યાં હંગામો શરૂ કર્યો. આ પછી, નશા મુક્તિ કેન્દ્રના કર્મચારીઓએ તેને ખૂબ માર માર્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું.
પોલીસે આ મામલામાં સીઆરપીસીની કલમ ૧૭૪ અને ૩૦૨ (હત્યા) હેઠળ કેસ નોંધીને સાત લોકોની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ સરવન્ના (૪૮), યુવરાજ (૨૬), પાર્થસારથી (૨૩), સતીશ (૨૯), મોહન (૩૪), સેલ્વમામણી (૩૮) અને કેશવન (૪૨) તરીકે કરવામાં આવી છે.