માનવીના જન્મ પછી, સૌથી ખાસ અને મૂંઝવણભર્યો તબક્કો એટલે – તરૂણાવસ્થા. માનવીના ભાવિ જીવનનું ચિત્ર અને આયોજન આ તબક્કા દરમિયાન જ દોરાય છે. જીવનના પ્રશ્નો, સમસ્યાઓ અને ગ્લાનિભરી પરિસ્થિતિઓ આ તબક્કામાં જ આવે છે, અને એ પણ એટલી વિશાળ માત્રામાં આવે છે કે, તરૂણો એનાથી ત્રસ્ત બનીને અન્યને પણ ત્રાસ આપે છે.
તરૂણોના મા-બાપોની ચિંતા અને વેદના એટલી અને એવી છે કે, જે નથી કોઇને કહી શકાતી કે નથી સહી શકાતી. જ્યારે મા- બાપ પોતાના તરૂણ કે તરૂણોનું વર્તન, વ્યવહાર, આગ્રહો, દલીલો અને વિગ્રહથી ત્રાસી જાય છે, ત્યારે તેઓ પોતે જ નિરાશામાં અને ખિન્નતામાં ડૂબી જાય છે. પણ પરિપકવ, સમજદાર અને બુધ્ધિશાળી મા – બાપોએ તેમના સંતાન કે સંતાનોને સાચી સમજ, સાંત્વન અને ભવિષ્ય ભણી આંગળી ચીંધીને વાસ્તવિકતાનું દર્શન કરાવવું જરૂરી છે.
પણ દુઃખની વાત એ છે કે, આપણા સમાજમાં હજી પણ તરૂણોની આ હરકતોને મનોવૈજ્ઞાનિક અભિગમથી સમજવાની દરકાર કોઇ કરતું નથી. વળી, બધાં જ તરૂણો કાંઇ અનાડી કે અણસમજુ હોતા નથી.
એક મા-બાપ તરીકે તમને તમારા તરૂણના ભાવિ જીવન અંગે ચિંતા થતી હોય તો તમારે નીચે આપેલી પ્રશ્નાવલિના જવાબ આપવા જરૂરી છે, જેથી તમને તમારી ચિંતા કે મૂંઝવણ ઘટાડવામાં અને તરૂણોનું જીવન સુધારવામાં ઘણી મદદ મળી રહેશે.
પ્રશ્નાવલિ ઃ નીચે આપેલા પ્રશ્નોને અંતે આપેલા કૌસમાં તમે તમારો જવાબ હા કે નામાં લખો.
૧. તમારો તરૂણ નઠારા લોકોની સોબતમાં પડી
ગયો છે ? ( )
ર. તેના વાણી – વર્તન દિવસે દિવસે આક્રમક – લડાયક બનતા જાય છે ? ( )
૩. પરિવારના મૂલ્યો અને સિધ્ધાંતોનો તે વિરોધ જ કર્યા કરે છે ? ( )
૪. તે કેફી દ્રવ્યોના વ્યસને ચઢી ગયો છે ? ( )
પ. બધા વડીલો સામે તે વિરોધ જ દર્શાવે છે ? ( )
૬. તે આગળ જતાં બદમાશ કે મવાલી થઇ જશે તેવું તમને લાગે છે ? ( )
૭. તમારો દીકરો તમારા અને પરિવારથી જુદો હોય તેમ બધાથી અલિપ્ત રહેવાનું પસંદ કરે છે ? ( )
૮. તે સમાજ અને સરકારી કાયદાનો ભંગ કરતાં ડરતો નથી ? ( )
૯. ઘરનું નાનું – મોટું કામ કરવાની તે ચોખ્ખી ના પાડી દે છે ? ( )
૧૦. અભ્યાસની બેદરકારી કે અન્ય ફરિયાદોને કારણે તેના શિક્ષકો તમને શાળામાં મળવા
બોલાવે છે ? ( )
૧૧. તેની સાથેના વ્યવહારમાં તમને નિરૂત્સાહ, લાચારી કે નિષ્ફળતા અનુભવાય છે ? ( )
૧ર. તેની સાથે વાત કરવામાં કે કંઇ કહેવા – પુછવામાં તમને અપમાનિત થવાની ભીતિ રહે છે ? ( )
૧૩. તમને તેના ભવિષ્યની સતત ચિંતા રહ્યા કરે છે ? ( )
૧૪. તેની ભાષા અને વાણી, અસભ્ય અને અવિવેકી બનતી જાય છે ? ( )
૧પ. શું તે કજીયાખોર, નિંદાખોર અને બડાઇખોર બની ગયો છે ? ( )
૧૬. તે તેના ભણતરમાં પાછળ પડે છે અને અભ્યાસ પ્રત્યે નીરસ બનતો જાય છે ? ( )
૧૭. તે અવારનવાર આપઘાત કરવાની વાતો કરે છે ? ( )
૧૮. શાળાને બહાને તે અન્ય વિદ્યાર્થીઓ સાથે ગમે ત્યાં રખડે છે ? ( )
૧૯. મા – બાપ તરીકે તમને હવે તેના પર કોઇ જ વિશ્વાસ રહ્યો નથી ? ( )
ર૦. તે ભણવાનું છોડી દેવાની અને શાળામાં જવાની ના પાડે છે ? ( )
ર૧. તે અવાર નવાર જૂઠ્ઠું બોલે છે ? ( )
રર. તમારો સુપુત્ર તમારા પ્રત્યે ઉધ્ધતાઇ દાખવી, અપશબ્દો બોલે છે ? ( )
ર૩. તમે જે કરવાની ના પાડો, તે કરવામાં જ તેને વધુ આનંદ આવે છે ? ( )
ર૪. શું તે કયારેક – કયારેક ચપ્પુ, દીવાસળી કે ફાંસી ખાઇને મરી જવાની ધમકી આપે છે ? ( )
રપ. પહેલાં તેને જે ખૂબ જ પ્રિય હતી અને ખૂબ ગમતી હતી, એવી પ્રવૃત્તિઓ કરવાનું તેણે એકાએક બંધ કરી દીધું છે ? ( )
ર૬. તમારો સુપુત્ર ઘરમાંથી પૈસાની ચોરી કરે છે ? ( )
ર૭. તે પોતાના આરોગ્ય અંગે બિલકુલ ધ્યાન આપતો નથી ? ( )
ર૮. તમારો લાડલો છૂપી રીતે કોઇની સાથે જાતીય ચેષ્ટા કરતો હોય તેવું તમને લાગે છે ? ( )
ર૯. તે દરેક બાબતમાં લઘુતાગ્રંથિથી પીડાય છે ? ( )
૩૦. તમારો ચિરંજીવી તમારી કોઇ જ વાત માનવાનો નથી, એટલે તેની સામે કોઇ નિયમ કે સમજ મુકવાનો કોઇ અર્થ નથી, એવું તમને લાગે છે ? ( )
૩૧. તે કયારેક કયારેક હિંસક પ્રવૃત્તિ આચરી બેસે છે ? ( )
૩ર. તમને તેના વાણી – વર્તન અને હાવભાવને કારણે તેની સલામતીની સતત ચિંતા રહ્યાં કરે છે ? ( )
પરિણામ
• જા તમે ર૧ કે તેથી વધુ પ્રશ્નોના જવાબ ‘હા’ માં આપ્યા હોય તો, આપના દીકરાને તત્કાળ સહાય અને માનસિક સારવારની તાતી જરૂર છે. તેથી તમારે કોઇ સારા મનોચિકિત્સક કે કાઉન્સિલરને મળીને તેને માનસિક સલાહ – સારવાર અપાવવી, તે કહે તે પગલાં ભરી – ભરાવીને જ દીકરાને સાચે માર્ગે લાવી શકશો.
• જા તમે ૧૧ થી ર૦ પ્રશ્નોના જવાબ ‘હા’માં આપ્યા હોય તો, આપનો દીકરો ઉપરના મુદ્દામાં જણાવ્યા મુજબની સ્થિતિમાં જવાની અણી પર છે, તેથી તમારે તેના વિશે પરિવારમાં કટોકટીભરી સ્થિતિ જાહેર કરીને સૌના પ્રેમ, સહાનુભૂતિ અને સમજાવટથી તેની સાથે કડક હાથે કામ લેવું પડશે. નહિતર દીકરો કુમાર્ગે વળી જશે, પછી હાથમાં નહીં રહે.
• જા તમે ૧ થી ૧૦ પ્રશ્નોના જવાબ ‘હા’ માં આપ્યા હોય તો, આપનો દીકરો ધીમે ધીમે પરિવારનું પર્યાવરણ અને પરસ્પરના સંબંધો બગાડવાની શરૂઆત કરી રહ્યો છે. તેને તાકીદે સુધારીને સંસ્કારી બનાવવાની જરૂર છે. પરિવારના નિયમો અને માળખું હજુ થોડું કડક બનાવશો તો બધું બરાબર થઇ જશે. આપનો દીકરો હજુ વધુ બગડયો નથી, તે પૂર્વે તેને વધુ સુધારી લો. ( )
સેલ્ફી
યુવકને એ ન પૂછો કે, ‘તું કોલેજમાંથી પસાર થયો છે કે કેમ ? ’
પણ એમ પૂછો કે, ‘ તારામાંથી કોલેજ પસાર થઇ છે કે નહીં ? ’