ગુજરાતમાં હવે પોલીસના પટ્ટા ઉતારવાની વાતને લઈને રાજકારણ ગરમાયું છે. આ મામલે હવે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને રાજ્યના પોલીસ વડા આમને સામને આવી ગયા છે. ગઇકાલે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે પોલીસ સામે બોલનારા સહન ન કરવા પોતાના ડિપાર્ટમેન્ટના લોકોને સૂચના આપી હતી. તેના પર આજે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જવાબ આપ્યો છે. મેવાણીએ ડીજીપીને ચોખ્ખેચોખ્ખું સંભળાવતા કહી દીધું કે, મોટા ભાગના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તેમની સામે કાર્યવાહી કરો. તમારું નામ વિકાસ સહાય છે, તો ગુજરાતની જનતાની સહાય કરો અને દારૂ અને ડ્રગ્સ બંધ કરાવો. ગતરોજ અમદાવાદમાં યોજાયેલા ડીજીપી ડેસ્ક એવોર્ડ કાર્યક્રમ દરમિયાન રાજ્યના ડીજીપી વિકાસ સહાયે પોલીસ વિભાગને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના સ્ટાફને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “પોલીસ ડિપાર્ટમેન્ટના બહાર કોઈ વ્યક્તિ પોલીસ કર્મીને કહી જાય, તે સહન કરવાની જરૂર નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી પોલીસ કર્મીની ભૂલ કે ખામીની વાત છે ત્યાં તેઓએ ઇશારો કરતાં જણાવ્યું કે, પોલીસ કર્મી ભૂલ કરે તો તેના પર કાર્યવાહી કરવાનો અધિકાર વિભાગનો છે. બહાર કોઈને બોલવાની જરૂર નથી. આ નિવેદન દરમિયાન તેમણે કોઈનું નામ લીધું નહોતું. પરંતુ ઈશારો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તરફ હોવાના સંકેત માનવામાં આવી રહ્યા છે. ડીજીપી વિકાસ સહાયની સ્પીચ સાંભળતા કાર્યક્રમમાં હાજર પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ પરિવારના સભ્યોએ તેમના નિવેદનને સમર્થન આપતાં તાળીઓ પાડી હતી.જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આજે મોટી સંખ્યામાં લોકો થરાદ ખાતે ઉમટી પડ્યા છે. જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલીનું આયોજન કરાયું છે. આ રેલીમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ગુલાબ સિંહ રાજપૂત હાજર રહેશે. જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી થરાદ ચાર રસ્તાથી કલેક્ટર કચેરી જશે. કલેક્ટર કચેરીમાં પહોંચી જીલ્લા કલેક્ટરને ડ્રગ અને દારૂની બદી બંધ કરાવવા માટે આવેદનપત્ર અપાશે.










































