“મમ્મી.. પ્લીઝ.. તું સ્કુલે મુકવા આવે ત્યારે ગેઇટ પરથી જ તરત જતી રહેજે, હું હવે નાની/નાનો નથી, હું દેખાવ ત્યાં સુઘી આવજો કહેવા ઉભા રહેવાની જરૂર નથી…”
     મમ્મી, પ્લીઝ.. સ્કૂલે આવે ત્યારે મારા મિત્રોની સામે મને ગળે લગાડીને વહાલ ન કર, આવું સારુ ન લાગે, બઘા મારી મસ્તી કરે છે.”
    “પપ્પા, તમે ટયુશનમાં તેડવા આવો ત્યારે બહુ વહેલા ન આવી જાવ, અને કલાસથી થોડા દુર ઉભા રહો, હું થોડે સુઘી ચાલને આવી જઇશ, તમારા કપડાં કેટલા કરચલીવાળા હોય છે.”
   “મમ્મી.. મારા ફ્રેન્ડસ આવે ત્યારે તું દરવખતે મઠીયા, ચકરીનો નાસ્તો આપે છે, લીંબુ સરબત બનાવે છે, એ સારૂ નથી લાગતું.. હવે તો મેગી પણ આઉટ ઓફ ફેશન થઇ ગઇ છે, કંઇક નવું બનાવને, દર વખતે દેશી નાસ્તો જ… યાર મને શરમ આવે છે, થોડી અલગ વાનગી બનાવતા શીખને…”
   “પપ્પા તમારી સાથે હોટલમાં જમવા નહી આવુ, તમને કાંટા ચમચીથી ખાતા નથી આવડતું, તમે તો ઢોસો પણ હાથેથી ખાવ છો,  અને કેટલા મોટા ઓડકાર આવે છે…  આજુબાજુ બઘા આપણી સામે જોતા હોય છે, મમ્મી, પપ્પાને કહી દેજે.. મને આવુ ન ગમે”
    “મમ્મી… પ્લીઝ.. મારા ફ્રેન્ડસ આવે ત્યારે બઘાની સામે ન બેસી રહે, બહુ ફ્રેન્ડલી થવાની જરૂર નથી, અમારી વાતો તારી વાતોથી અલગ હોય, તું જે જોકસ કરે છે એ તો કેટલાય સમય પહેલા અને વોટસઅપમાં વાંચેલા હોય છે, તું આવુ બઘુ ન કર, મમ્મી.. મારા ફ્રેન્ડસ આવે ત્યારે અમને એકલા છોડ…”
    ” પપ્પા .. મારા ફ્રેન્ડસને એફબી પર રિકવેસ્ટ ન મોકલો… તમારુ કલ્ચર અને અમારૂ કલ્ચર અલગ છે,  તમે રોજ ભગવાનના ફોટા અપલોડ કરો એ અમારી ઉંમરનાને ન ગમે, પ્લીઝ એફબી પર મારા ફ્રેન્ડસને તમારા મિત્રો બનાવવાથી તમે મોર્ડન નથી બની જવાના…”
    આવાઘણા સંવાદો ઘણાના ઘરમાં ચાલતા હશે, મોટાભાગે ટીનએજરની ફરિયાદ છે કે, મમ્મી-પપ્પાનું વર્તન સમજાતું નથી. મમ્મી-પપ્પાથી શરમ આવે છે, કયાંક આ શરમ તેમના કપડાંની છે, તો કયાંક તેમના દેખાવની, કયાંક આ શરભ તેમના ભણતરની છે તો કયાંક તેમના અનુભવની, કયાંક તેમના વર્તનની છે તો કયાંક તેમના વહાલની, કયાંક તેમની બનાવેલી વાનગીની છે તો કયાંક તેમના વ્યવહારની, કયાંક તેમના અવાજની છે તો કયાંક તેમની હસવાની-ચાલવાની આદતથી શરમ છે, કયાંક તેમના સ્વભાવની છે તો કયાંક તેમની પ્રકૃતિની… મોટાભાગના માબાપને આ શરમની જાણકારી હશે જ. અને ટીનએજર તરીખે તમને પણ આ વાંચતા એમ કયાંક થતું જ હશે કે… યસ… અમને પણ આવી બઘી બાબતો સામે પ્રોબ્લેમ છે…
    ઘણીવાર ટીનએજરને ફરિયાદ હોય છે કે તેમના મમ્મી પપ્પા તેમની પસંદગીના ઘોરણોમાં ખરા નથી ઉતરતા, તેમના મનમાં મોર્ડન મમ્મી પપ્પાની જે વ્યાખ્યા છે તેમાં તેના મમ્મી પપ્પા ફીટ નથી બેસતા. ટીનએજરને ફરિયાદ હોય છે કે તેમને ચોઇસ મળે તો આવા મમ્મી પપ્પાને પસંદ જ ન કરે, તેમને ગમે તેવા કલર-સાઇઝ સાથે મોર્ડન મમ્મી પપ્પા પસંદ કરે.. પણ મિત્રો.. તમારી ફરિયાદ સામે તમારા મમ્મી પપ્પાની પણ ફરિયાદ કદાચ હોઇ શકે કે તેમને ચોઇસ મળી હોત તો તમારા જેવા સંતાનો પસંદ ન કર્યા હોત.. મમ્મી પપ્પાની ભૂલ ગણાવતા પહેલા એ વાત યાદ રાખજો કે એ લોકો ખરેખર શરમજનક છે કે જેમણે તમારા જેવા સંતાનોને ઉછેરીને મોટા કર્યા. તમને બઘી સગવડ આપી, તમને ગમી તે વસ્તુ, ભણતર, વાહન આપ્યુ. જયારે મમ્મી પપ્પાને એ વાતની જાણ થાય છે કે તેમના સંતાનોને તેમની શરમ આવે છે ત્યારે તેમના મનમાં જે પીડાની ટીસ ઉઠે છે, પગથી માથા સુઘી જે દુ:ખનું લખલખુ પસાર થઇ જાય છે, એ સ્થિતિ સમજવા તમે સક્ષમ નથી
      એક જગ્યાએ વાંચેલું યાદ આવે છે કે, નાનપણમાં સંતાનોની કાલીઘેલી બોલી સમજી શકનાર માતાપિતાને એ જ સંતાનો મોટા થઇને કહે છે કે તમે મારી વાત સમજતા નથી., નાનપણમાં સંતાનોને બોલતા શીખવવા તેની સાથે તેવી જ ભાષામાં વાત કરનાર માતાપિતાને સંતાનો મોટા થઇને ચૂપ રહેવાનું કહે છે ત્યારે એ માતાપિતાની સ્થિતિ શું હોય છે એ સમજવા માટે ટીનએજરની ઉંમર ઘણી નાની પડે. માબાપના દર્દને સમજવા માબાપ બનવું પડે. એ માબાપ માટે મરવા જેવું થાય છે કે જયારે સંતાન એમ કહે છે કે તમે મારા માટે શું કર્યુ?  એ માબાપ શરમથી પાણીપાણી થઇ જાય છે કે જયારે સંતાનો કહે છે કે મારા ફ્રેન્ડસ આવે ત્યારે તમે સામે ન આવતા, મને શરમ આવે છે.
    પપ્પાનું વધેલું પેટ કે માથે પડેલી ટાલ કે તેમના જુના થયેલા કપડા કે આઉટ ઓફ ફેશનના ચશ્મા, મમ્મીની જુની સાડી કે જુની વાનગી, તેમની વાતો કે તેમની ખાવાની-ચાલવાની-હસવાની ટેવ પર તમને જયારે શરમ આવે છે અને તમે જયારે તેમને ટોકો છો ત્યારે એક મિનિટ તો તમારી વાત એ હસી કાઢે છે, પણ જયારે એકલા પડે ત્યારે ચહેરા પર પરાણે ઉપજાવેલું સ્મિત ખરી પડે છે અને ચહેરા પર આખી જીંદગી હારી ગયાનો એક ભાવ આવી જાય છે. આવા દ્રશ્યો ઘણીવાર જોયા છે, સંતાનોની શરમ કે પછી તેમની શરમથી તેમના ચહેરા પર આવતો ગુસ્સો જોઇને મમ્મી પપ્પાના ચહેરા પર માંદલુ સ્મિત આવે છે, પણ એ સ્મિત પાછળ છુપાયેલું દર્દ એક માતાપિતા જ સમજી શકે છે.
      સંતાનો માતાપિતાનો આભાર માનવામાં આખી જીંદગી કાઢી નાખે છે, પણ ફરિયાદ કરવા હમેંશા તત્પર રહે છે. યાદ રાખો કે મમ્મી પપ્પા એ મોલમાંથી ખરીદેલા શૉ પીસ નથી કે તેને ફાવે તેવો આકાર આપી શકાય, માતાપિતા તો એક એવો છાંયડો છે જે હમેંશા તમારા જીવનમાં સુખ અને સગવડ જ આપે છે. સંતાનો તરફથી કયારેય માતાપિતાને કંઇક દુખ થયું હોય તો તે બહુ જલ્દીથી ભૂલી જાય છે, પણ સંતાનો ફરિયાદની એક તક પણ જવા દેતા નથી.
       માતાપિતા સાથેની દરેક ફરિયાદને ‘જનરેશન ગેપ’નું નવું મોર્ડન નામ આપીને છટકી ન જવાય. તમે અત્યારે જે રીતે ફેશનેબલ થઇને જીવો છો, સ્વતંત્ર રીતે વિચારો રજુ કરો છો, તેમાં તમારા આ તમારા માટે શરમ જન્માવનારા માતાપિતાનો જ ફાળો છે એ ન ભૂલો. દરેક માબાપે સંતાનોને ભૂતકાળની, પોતાને પડેલી તકલીફની વાત કરવી જ જોઇએ, જેથી સંતાનને પણ ખબર પડે કે તેમને જે સગવડતા મળી છે તેમાં માતાપિતાના કેટલાય સુખો દટાયેલા છે, કેટલાય સુખનો ત્યાગ છે, કેટલી ઇચ્છાઓ મારી નાખી હોય છે સંતાનના સુખ ખાતર, અને આ બઘુ ત્યારે જ સમજાશે કે જયારે તમે માતાપિતા બનશો… સંબંઘોના હિસાબ જીવતા જ સરભર કરવાના હોય છે, ઇશ્ર્વર બઘાને તેમના વર્તન મુજબનો બદલો આપે જ છે, માણસ કદાચ સાચો કે ખોટો હોય શકે,  પણ ઇશ્ર્વર તો તટસ્થ જ છે.
    તો ટીનએજર મિત્રો… મમ્મી પપ્પા વિશે ફરિયાદ કરતા પહેલા તેમની સ્થિતિ, તેમનો સંધર્ષ, તેમણે આપેલું બલિદાન વિચારી જોજો.. તમને આટલી સારી જીંદગી આપવા માટે તેમને થેન્કયુ ન કહો તો કંઇ નહી, પણ તેમની ફરિયાદ ન કરો…