(૧) વરસાદ આવે એટલે મોટા ભાગે ભજીયા જ કેમ બનાવવામાં આવે છે?
પિનલ મિરોલીયા(બાબરા)
ભજીયા વધી ગયા એમાં વરસાદ ઘટી ગયો. જૂના જમાનામાં ‘આવ રે વરસાદ ઘેબરિયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક’ હતું.
(૨) માણસને રોજ કેટલા લીટર પાણી પીવું જોઈએ?
જયેશ રાઠોડ (બાબરા)
પાણીય મને પૂછીને પીવાનું? ભારે કહ્યાગરા!
(૩) માણસ એક સાથે વધારેમાં વધારે કેટલા ગ્રામ ખાઇ શકે છે?
અમિત ટંકારિયા (રાજકોટ)
એનો આધાર એ કઈ જગ્યાએ જમે છે એના પર છે. ઘેર, હોટલમાં કે પરબારું!
(૪) મોબાઈલ કંપનીઓએ નક્કી કરેલા ૨૮ દિવસના મહિનાને કારણે ૧ વર્ષમાં ૧૩ મહિનાનું રિચાર્જ કરાવવું પડે છે?
કનુભાઈ પરમાર (દામનગર)
અરર.. તમારે તો ભારે દુઃખ પડ્યા!
(૫) ઘરમાં કોનું ચાલવું જોઈએ, પત્નીનું કે પતિનું ?
જીગર યાદવ (દાત્રાણા-પાટણ)
બેયના એક એક વરસ વારા કરાય એટલે કોઈને મનદુઃખ ન થાય.
(૬) ટાલીયાનાં છોકરા ટાલીયા હોય, તો પૈસાવાળાનાં છોકરા પૈસાવાળા કેમ ના હોય?
ધોરાજીયા ઘનશ્યામભાઈ એન. (સાજણટીંબા)
કારણ કે ટાલિયાના પપ્પા ટાલિયા હોય છે પણ પૈસા વાળાના પપ્પા પૈસાવાળા હોતા નથી(ન સમજાય ત્યાં સુધી વાંચ્યા કરજો).
(૭) ગૂગલ મેપ રસ્તા બતાવે તો તેના ખાડા કેમ નથી બતાવતું ?
મહેન્દ્ર મકવાણા સોખડા રાધુ (કરજણ વડોદરા)
ગૂગલ જે દેખાય નહિ એ બતાવે સામે દેખાતું હોય એવી વસ્તુ ન બતાવે.
(૮) એવી કઈ વસ્તુ છે જે અમીર લોકો ખીસ્સામાં મૂકી દે અને ગરીબ ફેંકી દે?
જયેશ રાઠોડ (બાબરા)
હું અમીર અને ગરીબ વચ્ચેનો માણસ છું. મારે એ વસ્તુ ફેંકી પણ નથી દેવાતી અને ખિસ્સામાં પણ નથી મુકાતી.
(૯) રિચાર્જના ભાવ વધી ગયા છે તો શું કરાય? નેટ વપરાય કે બંધ કરી દેવાય?
મુસ્તુફા કનોજીયા (રાજુલા)
ભાવ ગમે એટલા વધે પણ નેટ અને પેટને રિચાર્જ કર્યા વિના છૂટકો નથી.
(૧૦) “હરિ” તારા નામ છે હજાર કયા નામે લખુ કંકોતરી? આ હજાર નામમાંથી કયુ નામ સારૂં લાગશે?
હરિભાઈ ધોરાજિયા (લીલિયા મોટા)
બધા નામનું વોટ્સેપ ગ્રુપ બનાવી એમાં જ ડિજિટલ કંકોતરી મોકલી દો.
(૧૧) ચાલું વરસાદને બંધ કેમ કરવો?
મીતેશ સરવૈયા (ગળકોટડી)
આંખો બંધ કરી દો.
(૧૨) વરસાદ કેમ ટીપે ટીપે આવે… ધાર કેમ ન થાય?
ગીતા ભુવા (સુરત)
ટીપણે ટીપણે આવે તો છત્રી લોખંડની બનાવવી પડે.
(૧૩) નામ ફઈબા જ કેમ પાડે?
સંગીતાબેન ધોરાજિયા (આણંદ)
ફુવાની ચડામણી!
(૧૪) શર્ટનું ખિસ્સું ડાબી બાજુ જ કેમ હોય છે?
ડાહ્યાભાઈ આદ્ગોજા(લીલીયા મોટા)
પૈસા લોકોના દિલની પાસે હોય છે.
(૧૫) અંગ્રેજોની જેમ આખા વિશ્વમાં ભૂતોએ તેમનું સામ્રાજય સ્થાપ્યું છે તો તેમનું મૂળ વતન કયું હશે?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
આપણા બધાનું મન!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..