(૧) સંગીત ખુરશી અને રાજકારણની ખુરશી વચ્ચે શું ફરક?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
સંગીત ખુરશીમાં મ્યુઝિક હોય અને રાજકારણની ખુરશીમાં લમણાંઝીંક!
(૨)અગાઉના માણસો દીવાથી કામ ચલાવતા હતા. હવેના માણસોને લાઇટની શી જરૂરત છે?
માહીબેન ડણાક (અમરેલી)
દીવાથી ટીવી થોડું ચાલે?
(૩)અગાઉના પતિ પત્ની એકબીજાનું નામ શા માટે લેતાં નહોતાં?
યોગેશભાઈ આર જોશી (હાલોલ)
અગાઉ નામ સાવ કેવા હતાં – ઉજી, દૂધી, ભૂરો, પાંચોપ!
હવે નામ કેવા છે – પિન્ટુ, ચિન્ટુ, લ્યુસી, ચાર્મીપ!
(૪)બાળપણ અને ઘડપણ વચ્ચે શું તફાવત?
જય દવે (ભાવનગર)
બાળપણમાં ડોરેમન અને ઘડપણમાં ચોરે મન!
(૫)રામરાજ્ય અને મોદીરાજ્યમાં શું ફરક છે?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
ત્યારે દુશ્મનો દેશના દક્ષિણ ભાગમાં હતા.
(૬) શું તમારા ગામમાં હોળી થાય છે ?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ સાજણટીંબા (કેનેડા)
ના, હોળી પ્રગટે છે.
(૭)નાથાલાલને નાણાં વગનો નાથીયો કેમ કહેવાય?
ધોરાજીયા ચંદ્રકાન્ત એન. (સાજણટીંબા)
નાથાચંદ્ર સારું ન લાગે.
(૮)કશું ન થવાનું થાય ત્યારે આપણે ભારે કરી એમ કહીએ છીએ તો કશું થવાનું થાય ત્યારે શું કહેવાય?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
હળવી કરી.
(૯) પત્ની પાણીપુરી લેવા મોકલે ત્યારે તો તેને છીંક આવે તોયે રોકી લે છે. બચવાનો બીજો કોઈ ઉપાય ?
કનુભાઈ પરમાર (દામનગર)
શેરીમાં દસબાર બિલાડીઓ પાળો અને એને આડી ઉતરવાની તાલીમ આપો.
(૧૦) બગાસાં બંધ કરવાનો ઉપાય?
દર્શન પટેલ (વડોદરા)
એકાદ બગાસું પત્ની સામે ખાઓ.
(૧૧)હોળી કેમ થતી હશે?
કટારિયા અમિત વિનુભાઈ (કીડી)
બીજે દિવસે ધૂળેટી કરવી હોય એટલે.
(૧૨)તમારી આ કોલમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સવાલ પૂછે તો એનો જવાબ શું આપશો?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
પેલા મોદીસાહેબને તો પૂછો કે એ સવાલ કયો પૂછશે?!
(૧૩)તમને ક્યારેય સ્વપ્નમાં પરી દેખાય છે?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
હા, વારેવારે દેખાય છે. પણ એ એકલી આવતી નથી, એની પાછળ ’ક્ષા’ને પણ લેતી આવે છે.
(૧૪)મમ્મીનાં કાકાના ભત્રીજાની પત્નિનાં ભાઈને શું કહેવાય?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
આવી ગૂંચ કરીકરી ને જ આપણે પોતાનાને પારકા બનાવી દીધા છે.
(૧૫)આજે સાહેબ હું નવરાશની પળમાં વિચારતો હતો કે આ આવડો મોટા દરિયાનુ ખોદકામ કરતા નીકળેલી માટી ક્યાં રાખી હશે?
ધોળકિયા પ્રવિણભાઇ લાલજીભાઈ (અમરાપરા)
જ્યાંથી પાણી લીધું ત્યાં.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..









































