વડીયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે જન્માષ્ટમીના દિવસે મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ રમતા ટૂંકા સમયમાં દસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી ગામમાંથી પસાર થતો મોટો વોકળો બે કાંઠે વહેતો થઈ ગયો હતો, જેના કારણે પુલ પર પાણી ફરી વળ્યા અને આસપાસની દુકાનો સુધી પાણી ઘૂસી ગયું હતું. આ પાણી વડીયા સ્મશાન પાસે સુરવો નદીમાં ભળતા સ્મશાનની સુરક્ષા દિવાલ ધરાશાયી થઈ હતી અને બેઠા પુલમાં પણ ભારે ધોવાણ સર્જાતા પુલ ખુબ જ જર્જરિત હાલતમાં પહોંચી ગયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વડીયા વિસ્તારના ખેડૂતો દ્વારા તાત્કાલિક પુલનું રિપેરીંગ કરવામાં આવે તેવી માંગણી થઈ છે. આ સાથે જ નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ભારતીય કિસાન સંઘના પ્રમુખ વિનુભાઈ રાદડિયા દ્વારા ઉઠાવવામાં આવી છે.







































