ઢૂંઢિયા પીપળીયા ગામની પ્રાથમિક શાળાના જર્જરિત હાલત અંગે મીડિયામાં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ તંત્ર તત્કાલ દોડતું થયું છે. ૨૦૨૩માં આ શાળાને પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ યોગ્ય પગલાં લેવામાં ન આવતાં વાલીઓએ તાળાબંધી કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ગત દિવસે પ્રસારિત થયેલા અહેવાલ બાદ નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી સહિતની ઉચ્ચ અધિકારીઓની ટીમ આજે શાળામાં પહોંચી હતી અને વાલીઓને બોલાવી શાળાની હાલત અંગે ચર્ચા યોજી હતી. ટીમ દ્વારા જર્જરિત ઓરડાઓમાં રહેલા પલળેલા સાહિત્યની ફેરબદલીનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડતા નકારાત્મક અસરને લઇ શિક્ષકોને પણ જવાબદારીથી મુક્ત ન રાખી, લેખિત નોટિસ આપવામાં આવશે તેમ તંત્રે સ્પષ્ટતા કરી છે. અગાઉના શાળાના પ્રિન્સિપાલ દ્વારા ડેડસ્ટોક સોંપવામાં ન આવતા તેમને બે નોટિસો આપી દેવામાં આવી છે અને હવે ત્રીજી નોટિસ આપીને નક્કર પગલાં લેવામાં આવશે. નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીએ મીડિયા સમક્ષ જણાવ્યુ હતું કે ટૂંકા સમયમાં જર્જરિત ઓરડાઓને પાડી નખાશે અને શાળામાં એસેમસી (School Management Committee) રચી નવી શાળાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. સમગ્ર ગ્રામજનોએ મીડિયા સામે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મીડિયા દ્વારા બાબતને ઉજાગર કરતાં તંત્ર જાગ્યું છે અને હવે બાળકો માટે સલામત અને યોગ્ય શૈક્ષણિક માહોલ મળી રહેશે.







































