અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે એક ગાયમાં અચાનક હડકવા (રેબીસ) જેવા લક્ષણો દેખાતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. ઘટનાની ગંભીરતા સમજી સ્થાનિક આગેવાનો અને સરપંચે તાત્કાલિક કાર્યવાહી કરી ગાયને સુરક્ષિત રીતે વંડામાં બાંધી દીધી હતી, જેથી અન્ય પશુઓ કે માનવીઓને નુકસાન ન પહોંચે.ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ આ ગામમાં એક હડકાયા શ્વાને ૧૪ જેટલા લોકોને બચકા ભર્યા હતા. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ગાયમાં જોવા મળેલા હડકવાના લક્ષણોએ ગ્રામજનોની ચિંતામાં વધારો કર્યો છે.પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સરપંચ દ્વારા ગ્રામજનોને પશુઓથી સુરક્ષિત અંતર જાળવવા અને કોઈ પણ શંકાસ્પદ લક્ષણો જણાય તો તુરંત જાણ કરવા અપીલ કરવામાં આવી છે. હાલમાં આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.