ખટંબા ગામમાં ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન બે કર્મચારીઓના મોત મામલે હાલ પોલીસે ફરિયાદ નોંધી છે. સલામતી સાધન વગર ડ્રેનેજ લાઈનની ચેમ્બરમાં ઊતરતા આ ૨ નિર્દોષ કર્મચારીઓના જીવ ગયા હોવાની માહિતી સામે આવતા પોલીસે બેદરકારી દાખવવા બદલ આ ડ્રેનેજ લાઈનની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર કંપની સામે પોલીસે હ્લૈંઇ નોંધી છે અને કંપનીના માલિકની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આ કોન્ટ્રાક્ટર કંપની ભૂતકાળમાં પણ વિવાદોમાં ઘેરાયેલી હોવાની વિગતો મળી રહી છે.
વિગતે વાત કરીએ તો, વડોદરા નજીક ખટંબા ગામમાં હાલમાં ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન બે કર્મચારીઓના મોત થયાનો કરુણ મામલો સામે આવ્યો હતો. ખટંબા ગામની સીમમાં ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન બે કર્મચારીઓ પ્રોજેક્ટ મેનેજર વિપુલ માંગરોલિયા અને લાઈનમેન અક્ષયભાઈ ચેમ્બરમાં ઊતર્યા હતા, જાકે ડ્રેનેજ લાઈનની ચેમ્બરમાં ઊતરતા સમયે તેમની પાસે કોઈપણ જાતની સેફ્ટીના સાધનો ન હોવાથી આ બંને કર્મચારીઓના મોત થયા હતા.
બાદમાં આ મામલે પ્રાથમિક તપાસ કરતા કોન્ટ્રાક્ટર કંપનીએ સલામતીના સાધનો પૂરા ન પાડતા આ બે નિર્દોષ કર્મચારીઓના જીવ ગયા હોવાનું ખુલ્યું છે, ત્યારે સમગ્ર મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર કંપની મહેસાણાની જ્યંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ સામે વરણા પોલીસે ફરિયાદ નોંધી છે. આટલું જ નહીં આ બેદરકારીમાં ક્યાંક  ને ક્યાંક  ગ્રીસવા ઇન્ફ્રા કન્સ્ટ્રક્શન નામની કંપનીની પણ સંડોવણી સામે આવતા પોલીસે આ બંને કંપનીના માલિકો વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, આ ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન બે નિર્દોષ કર્મચારીઓના મોત મામલે જે કોન્ટ્રાક્ટરનું નામ સામે આવ્યું છે, એ મહેસાણાની જ્યંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ કંપની પહેલેથી વિવાદિત કંપની છે. આ કંપનીએ જ સુરતમાં હલકી ગુણવત્તાની પાણીની ટાંકી બનાવી હતી અને એ મામલે કંપનીના માલિક જયંતી હાલ પોલીસ પકડમાં જ છે, જેથી હવે વરણા પોલીસ ટ્રાન્સફર વોરંટથી તેની ધરપકડ કરી અહીં વડોદરા લાવશે.
તો બીજી તરફ પોલીસ સમગ્ર મામલે વુડા-(વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)ના એનજીન્યરો ના જવાબ લઈ પુરાવા એકત્ર કરી રહી છે. જે દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યા બાદ આરોપી કોન્ટ્રાક્ટર કંપનીના માલિકની ધરપકડનો દોર શરૂ કરાશે. ત્યારે હાલ આ મામલે પોલીસે એટ્રોસિટી એક્ટ તેમજ અન્ય ગુના સંદર્ભે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હોવાની માહિતી મળી રહી છે.