(એ.આર.એલ),રાજકોટ,તા.૧૮
રાજકોટમાં નિહિત બેબીકેર હોસ્પિટલ ધરાવતા ડો. હિરેન મશરૂ આયુષ્માન યોજનાનો દુરુપયોગ કરીને બાળકોના નકલી રિપોર્ટના આધારે મોટાપાસે નાણા સેરવી લીધા હોવાનો સ્વીકાર કર્યો છે.આ કૌભાંડમાં પરિવારજનો કે પછી આરોગ્ય વિભાગને ખબર સુદ્ધાં રહેતી ન હતી કે બાળક સ્વસ્થ છે પણ પૈસા રળવા માટે ખોટા રિપોર્ટ બનાવાઈ રહ્યા છે અને બાળકને દાખલ કરાય છે. આ કૌભાંડની આરોગ્ય વિભાગ તેમજ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા તપાસ ચાલી રહી હતી.
સજ્જડ આધાર પુરાવાને કારણે ડો. હિરેન મશરૂ પાસે કોઇ રસ્તો ન બચતા તેઓએ જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ આવીને કબૂલાત આપી છે કે, તેણે આ કાળા કારનામા કર્યા છે.ડો.મશરૂ સ્વસ્થ નવજાતના નકલી રિપોર્ટ બનાવી ગંભીર બતાવી સારવારના બહાને દાખલ રાખીને આયુષ્માન કાર્ડ હેઠળ વધુ પૈસા રળતા હતા. જેને લઈને આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા હતા.
આયુષ્માન યોજના હેઠળ જુલાઈ ૨૦૨૩થી નવી ઈન્સ્યોરન્સ કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે. ત્યારથી અત્યાર સુધીમાં ડો.મશરૂની હોસ્પિટલમાં ૫૨૩ બાળકો દાખલ કરાયા હતા અને તેમણે ૨.૫૩ કરોડ રૂપિયાનો ક્લેમ કર્યો હતો આ પૈકી મોટાભાગની રકમ જમા થઈ ગઈ છે. જાકે તેમની હોસ્પિટલમાં બે વર્ષથી આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ચાલી રહી છે. આ આંક મેળવતા જાણવા મળ્યું છે કે, અત્યાર સુધીમાં ૧૪૮૩ બાળકો દાખલ કરાયા છે. હાલ જુલાઈથી અત્યાર સુધીના કેસની તપાસ થઈ રહી છે.
એક રિપોર્ટ મુજબ, હોસ્પિટલખાતે નિદાન માટે આવતા બાળકો અથવા તો પ્રસૂતિ બાદ ગાયનેક રીફર કરે તેવા કેસમાં આ ડોક્ટર સૌથી પહેલા તો પરિવાર પાસે આયુષ્માન કાર્ડ છે કે નહીં તેની તપાસ કરતો. બાદમાં ડો.મશરૂ બાળકના સેમ્પલ લઈને મંગલમ લેબોરેટરીમાં મોકલતો, બાદમાં કોઈ સમસ્યા ન હોય તો તે રિપોર્ટમાં ચેડાં કરી એડિટિંગ કરી તેના આંકડા ફેરવી ઈન્ફેક્શન બતાવી નવજાતને ૭થી ૧૦ દિવસ માં દાખલ કરી દેતો અને આ રિપોર્ટને આયુષ્માન યોજનાના સરકારી પોર્ટમાં ઉપલોડ કરી મંજૂરી મેળવી લેતો અને પ્રતિ દિવસ ૯થી ૧૦ હજાર રૂપિયા મેળવતો.