રાજકોટના વિદ્યાનગર રોડ પર આવેલી ડો.હિમાંશુ ઠક્કરની હોસ્પિટલમાં એક અનોખો અને પડકારજનક કેસ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. ૫૩ વર્ષીય મહિલા દર્દી મહેશ્વરીબેન મંગલિકા (રાજકોટ)ની અન્નનળીમાં ફસાયેલો દોઢ સેન્ટીમીટરનો ધારદાર સોપારીનો કટકો દૂરબીન વડે ગણતરીની મિનિટોમાં બહાર કાઢી તેમને યાતનામુક્ત કરવામાં આવ્યા હતા. મહેશ્વરીબેનને સોપારીનો કટકો ફસાઈ જવાથી ગળામાં અસહ્ય દુઃખાવો, ઉબકા અને પાણી પીવામાં પણ મુશ્કેલી થતી હતી. તાત્કાલિક ડા. હિમાંશુ ઠક્કરનો સંપર્ક કરવામાં આવતા, તેમણે ત્વરિત ઓપરેશન કરીને સોપારીનો કટકો બહાર કાઢ્યો. આ કિસ્સામાં ખાસ વાત એ હતી કે દર્દીની અન્નનળીનો ઉપરનો ભાગ (ક્રિકોફેરેન્ક્સ) સંકોચાઈ ગયો હતો, જે હિમોગ્લોબિનની ઉણપને કારણે થયું હતું. આ જ કારણોસર તેમને વારંવાર અન્નનળીમાં વસ્તુ ફસાઈ જવાની સમસ્યા થતી હતી. અગાઉ ૨૦૧૪માં પણ તેમના ગળામાં વટાણો ફસાયો હતો, જે ડા. ઠક્કરે સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો.ડા. ઠક્કરે જણાવ્યું કે, આવા ધારદાર કટકા દૂર કરતી વખતે અત્યંત કુશળતા અને કાળજીની જરૂરી હોય છે.