ડો. સુભાષ ચંદ્રાએ રાજ્યસભા ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી ઉમેદવારી ફોર્મ ભર્યું. ભાજપ સમર્થિત ઉમેદવાર ડો. સુભાષ ચંદ્રા આજે સવારે તેઓ મોતીડુંગરી ગણેશ મંદિર ગયા હતા અને પ્રથમ પૂજ્ય દરબારમાં જઈ ભગવાનના આશીર્વાદ પણ લીધા. ત્યારબાદ તેઓ ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા.
ડોક્ટર સુભાષ ચંદ્રા હાલ હરિયાણાથી અપક્ષ રાજ્યસભા ઉમેદવાર છે. તેમનો કાર્યકાળ એક ઓગસ્ટ ૨૦૨૨ના રોજ પૂરો થઈ રહ્યો છે. ડો. સુભાષ ચંદ્રા રાજસ્થાનથી ભાજપ સમર્થિત ઉમેદવાર હશે. ઉમેદવારી નોંધાવતા પહેલા સુભાષ ચંદ્રાએ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે વિધાનસભા લોબીમાં મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે વસુંધરા રાજે ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રભારી અરુણ સિંહ, રાજસ્થાન ભાજપ અધ્યક્ષ સતીષ પુનિયા, નેતા વિપક્ષ ગુલાબચંદ કટારિયા, ઉપનેતા વિપક્ષ રાજેન્દ્ર રાઠોડ સાથે રણનીતિ પર ચર્ચા પણ કરી. આ ઉપરાંત તેમણે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો સાથે પણ મુલાકાત કરી.
રાજસ્થાનથી રાજ્યસભાની ચાર બેઠકો માટે ૧૦ જૂને ચૂંટણી થવાની છે. કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ તો પાર્ટીએ મુકુલ વાસનિક, પ્રમોદ તિવારી અને રણદીપ સિંહ સૂરજેવાલાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ભાજપે પૂર્વ મંત્રી ઘનશ્યામ તિવારીને મેદાનમાં ઉતાર્યા છે.
અત્રે જણાવવાનું કે ૧૦ જૂને ૧૫ રાજ્યોની ૫૭ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી થશે. જેમાં સૌથી વધુ ૧૧ બેઠકો યુપીની છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને તમિલનાડુની ૬-૬ બેઠકો, જ્યારે બિહારની ૫ બેઠકો માટે ચૂંટણી થશે. આંધ્ર પ્રદેશ, કર્ણાટક, અને રાજસ્થાનની ૪-૪ બેઠકો તથા મધ્ય પ્રદેશની ૩-૩ બેઠકો, ઝારખંડ, છત્તીસગઢ, હરિયાણા, તેલંગણા અને પંજાબની ૨-૨ બેઠકો તથા ઉત્તરાખંડની એક બેઠક માટે ચૂંટણી થવાની છે.