ડો. રાષ્ટ્રબંધુ પુરસ્કાર-ર૦રર જાણીતા સર્જક અને બાળસાહિત્યકાર એવા રવજીભાઇ ગાબાણીને એનાયત કરવાનું જાહેર કરવામાં આવ્યું છે. બાળસાહિત્ય ક્ષેત્રનો રાષ્ટ્રીય કક્ષાનો આ પુરસ્કાર “અંજુ-નરશી પારિતોષિક”ના નામ અને નેજા હેઠળ બાળસાહિત્યની ઉમદા સેવા કરનાર રવજીભાઇ ગાબાણીને આગામી તા. ર૮-જૂનના રોજ ભોપાલ ખાતે એનાયત કરવામાં આવશે.
ડો. રાષ્ટ્રબંધુ બાલસાહિત્યના પિતામહ ગણાય છે. યુપીના સરહાનપુરમાં જન્મેલા ડો. રાષ્ટ્રબંધુજીના નામથી મધ્યપ્રદેશની આ સંસ્થા દ્વારા ઉક્ત એવોર્ડ ગુજરાતી સાહિત્ય સર્જકને તેમની બાળસાહિત્યની વિશિષ્ટ સેવા બદલ અપાશે. ડો. રાષ્ટ્રબંધુ રાષ્ટ્રપતિના હસ્તે બે વાર સન્માનિત થઇ
ચૂક્યા છે.
બાળસાહિત્યકાર રવજીભાઇ ગાબાણી લીખિત બાળસાહિત્યના ત્રણ પુસ્તકો “ફુલની ફોરમ” “રે…” તથા “ઝાડની જીવાદોરી જીવાદાદા અને બીજી બાળવાર્તાઓ” પ્રસિદ્ધ થયેલ છે. જેના વેચાણથી થયેલ આવક રૂ. ૪.પ૦ લાખ પૈકી રૂ. ૩ લાખ હિમોફીલિયાગ્રસ્ત બાળકો માટે કામ કરતી સંસ્થાને તથા રૂ. ૧.પ૦ લાખ ‘દર્શક લાઇબ્રેરી’ માટે રવજીભાઇએ દાન આપી ઉમદા કાર્ય કર્યું છે. ત્યારે તેમને મળેલ રાષ્ટ્રીય કક્ષાના આ સન્માનથી ગુજરાતી બાળસાહિત્ય સર્જકોમાં આનંદની લાગણી
પ્રસરી છે.