કોડીનાર તાલુકાના ડોળાસા ગામના બાયપાસ પર ડાયવર્ઝનની સુવિધા ન હોવાને કારણે બસ ચાલકો અને અન્ય વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલમાં બાયપાસનો એક તરફનો રોડ કામચલાઉ ધોરણે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પરંતુ ડોળાસા ગામમાં પ્રવેશ માટે કોઈ યોગ્ય ડાયવર્ઝન મૂકવામાં આવ્યું નથી. ડોળાસા ૪૦ ગામોનું મુખ્ય કેન્દ્ર છે અને અહીં હંમેશા ભારે ટ્રાફિક રહે છે. તમામ વોલ્વો બસ સહિતની અનેક બસ રૂટ્સ માટે ડોળાસા ગામે સ્ટોપેજ છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં, ઉના તરફથી આવતા વાહનચાલકોએ લગભગ દોઢ કિલોમીટર દૂર લેરકા ફાટક પાસેથી રોડ બદલવો પડે છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે જો ડ્રાઈવરનું ધ્યાન થોડું પણ ચૂકે તો ડોળાસા ગામમાં પ્રવેશવાનો કોઈ વિકલ્પ રહેતો નથી અને લાંબા બાયપાસ પરથી જવું પડે છે. નાના વાહનો માટે રોડ પર પાછા ફરવું શક્ય છે, પરંતુ બસ જેવા મોટા વાહનો માટે આ મુશ્કેલ છે. વાહનચાલકો અને સ્થાનિક રહીશોએ નેશનલ હાઈવે અધિકારીઓને વિનંતી કરી છે કે તેઓ તાત્કાલિક ધોરણે ઓછામાં ઓછું એક કામચલાઉ ડાયવર્ઝન બનાવે, જેથી વાહનચાલકોને રાહત મળી શકે.