કોડીનાર તાલુકાના ડોળાસા ગામમાંથી પસાર થતો નેશનલ હાઈવે ચોમાસાની શરૂઆતથી જ તદ્દન બિસ્માર હાલતમાં છે. છેલ્લા છ માસથી મગરની પીઠ જેવા આ રોડમાં બે બે ફૂટના ખાડા પડી ગયા છે. ધૂળના ગોટાથી શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. ધૂળની ડમરીથી બચવા કેટલાક વેપારીઓએ સ્વખર્ચે રોડ ઉપર ખાડાઓમાં પાણી ભરેલુ રાખવા લાગ્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટીને આ બાબતે ડોળાસા ગ્રામ પંચાયત અને ડોળાસા વેપારી મંડળ દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા લોકોમાં રોષની લાગણી છવાઈ છે. આ રોડ બનાવવાની કામગીરી સત્વરે નહીં કરવામાં આવે તો ગામના વેપારીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.