કોડીનાર તાલુકાના જીથલા અને ગીર ગઢડા તાલુકાના સોનપરા ગામને જોડતા અઢી કિલોમીટરના રસ્તા પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી આજથી શરૂ થઈ છે. આ દબાણોના કારણે રસ્તો સાંકડો બની ગયો હતો, જેનાથી સ્થાનિકોને ભારે અગવડ પડતી હતી. સોનપરા ગ્રામ પંચાયત, સ્થાનિક ખેડૂતો અને સરપંચ ડા. ઉમેશભાઈ વાઢેળ દ્વારા આ દબાણો દૂર કરવા માટે સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી. આખરે, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ આજથી ચાર દિવસ સુધી ચાલનારી આ કાર્યવાહીનો પ્રારંભ થયો છે. દબાણ દૂર થવાથી રસ્તા પર વાડી કે રહેણાક ધરાવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ગીર ગઢડા પોલીસ, મામલતદાર કચેરી અને તાલુકા વિકાસ અધિકારી કચેરીનો સ્ટાફ પણ આ કામગીરીમાં જોડાયો છે. સરપંચ ડા. ઉમેશભાઈ વાઢેળની માંગ છે કે દબાણો દૂર થયા બાદ તરત જ આ રસ્તાને સિમેન્ટ રોડથી બનાવવામાં આવે. જો આ રોડ બની જાય તો બંને ગામ વચ્ચેનું અંતર દસ કિલોમીટરથી ઘટીને અઢી કિલોમીટર થઈ જશે, જેનો લાભ બંને ગામની જનતા અને ખેડૂતોને મળશે. આ ઉપરાંત, કોડીનાર અને ગીર ગઢડા તાલુકાને જોડતો વધુ એક મહત્વપૂર્ણ રોડ પણ બનશે.