કોડીનાર તાલુકાના ડોળાસા ગામે ચોમાસા દરમિયાન ગામમાંથી પસાર થતો હાઈવે રોડ ભંગાર હાલતમાં મુકાયો છે. ત્યારે ચોમાસુ પુરૂ થયા બાદ પણ હાઈવેના અધિકારીઓ દ્વારા રોડની મરામત અંગે કોઈપણ કામગીરી ન હાથ ધરતા આખરે કંટાળેલા ડોળાસા ગામના વેપારોઓ દ્વારા ગત તા.ર૩-૧૦નાં રોજ રસ્તા રોકો આંદોલન કરવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ તા.રર-૧૦ના રોજ એટલે કે એક દિવસ પહેલા જ આ રોડ રીપેરીંગનું કામ શરૂ કરી દેવામાં આવતા વેપારીઓએ આંદોલન મુલતવી રાખ્યું હતું. જે બાદ હાઈવે ઓથો. દ્વારા ડોળાસાના ત્રણ કિ.મી. રોડ પૈકી દોઢ જ કિ.મી. રોડમાં થીગડા માર્યા હતા. શરૂઆતમાં એવું લાગ્યુ કે દિવાળીના તહેવારો હોય થોડા દિવસ બાદ બાકી રહેલ કામ ફરી શરૂ કરવામાં આવશે પરંતુ આજદિન સુધી આ કામ ચાલુ ન કરાતા એવું લાગી રહ્યું હોય જાણે નેશનલ હાઈવેના અધિકારીઓને પણ બનાવટ કરતા આવડે છે. ત્યારે ડોળાસા ગામના અધુરા રહેલા રોડનું કામ તાત્કાલિક ધોરણે પુરૂ નહિં કરવામાં આવે તો ફરી ડોળાસા ગામના વેપારીઓ ઉગ્ર આંદોલન કરશે તેવું જણાવવામાં આવ્યું હતું.