કોડીનારથી ઉના વચ્ચે ફોર ટ્રેક રોડનું કામ ગોકળગાયની ગતિએ છ વર્ષથી ચાલી રહ્યું છે. જેમાં ડોળાસા ગામે બાયપાસ બનનાર છે. પરંતુ આ બાયપાસને જાડતો અને ગામમાંથી પસાર થતો હાઇવે રોડ છેલ્લા ચાર વર્ષથી અત્યંત ખખડધજ હાલતમાં છે. આ સાડા ત્રણ કિમીના રોડ પર પસાર થતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી ડોળાસા ગ્રામપંચાયત અને લોકો દ્વારા નવો પેવર રોડ બનાવવા અવારનવાર રજૂઆતો કરાતી હોવા છતા પણ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા ભારે રોષ ફેલાયો છે. જેને લઈ ડોળાસા ગામના યુવાનો તરફથી સંજયભાઈ રાઠોડે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. તથા આગામી તા.૧૦ જૂન સુધીમાં આ નવા પેવર રોડનું કામ ચાલુ ન થાય તો તા.૧૧ જૂનના રોજ સવારે ૧૦ વાગ્યાથી રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. ગામના યુવાનોના આંદોલનને ડોળાસા ગ્રામપંચાયત અને વેપારી મંડળે ટેકો આપ્યો છે. બીજી તરફ તા.૧૧ જૂનના રોજ ડોળાસા ગામના તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર પણ બંધ રાખનાર છે.