ડોળાસા ગામમાંથી પસાર થતા મુખ્ય માર્ગમાંથી ધૂળની ડમરીઓ ઉડતા રસ્તા પરની દુકાનના વેપારીઓ અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ગામનો હાઈ વે છેલ્લાં ઘણા સમયથી ભંગાર હાલતમાં મુકાયો છે. માર્ગ પર મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મરામતના નામે હાઈ વે ઓથોરિટી દ્વારા ચોમાસામાં ખાડાઓમાં માટી અને પથ્થરો નાખી મજાક કરવામાં આવી હતી. હાલ માટી સુકાઈ જતા હવે આ માટી ધૂળની ડમરીઓમાં પરિવર્તિત થઈ ગઈ છે જેના કારણે વાહનો પસાર થતાની સાથે જ ધૂળની ડમરીઓ ઉડે છે. માટી સાથે નાખેલા પથ્થરો વાહનના ટાયરમાંથી છટકી બંદૂકની ગોળીની જેમ ઉડી રહ્યા છે જેના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ધૂળની ડમરીઓને કારણે લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થયો છે જેથી જા આ માર્ગ પર ડામર પૂરવામાં નહી આવે તો આગામી સમયમાં આંદોલન છેડવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.