કોડીનાર તાલુકાના ડોળાસા ગામે બાયપાસ ચાલુ થયો છે ત્યારથી એસ.ટી.ની કેટલીક બસના ડ્રાઈવર- કંડકટરની દાદાગીરીની ત્રીજી ઘટના બની છે. ડોળાસા ગામના રિદ્ધિબેન નરેશભાઈ ગૌસ્વામી ઉના ખાતેની એ.આર.ભટ્ટ કોલેજમાં અભ્યાસ કરે છે. કોલેજ પૂરી થઈ એટલે બપોરે એક વાગ્યે ડોળાસા જવા રોડ ઉપર ઉભા હતા. બપોરના ૧.૨૫ મિનિટે રાજકોટ ડેપોની ઉના રાજકોટ રૂટની બસ આવી હતી જેમાં રિદ્ધિબેન ડોળાસા આવવા બેઠા હતા. કંડક્ટરે આ વિદ્યાર્થિનીને એકતાલીસ રૂપિયાની ટિકિટ આપી હતી પણ ડોળાસા આવ્યું એટલે બાયપાસ ઉપર બસ ઉભી રાખી રિદ્ધિબેનને ઉતરી જવા દબાણ કર્યું. પણ આ હિંમતવાન દીકરીએ બાયપાસ ઉપર ઉતારવાની ના પડી દીધી એટલું જ નહીં તેણીના પિતા નરેશભાઈને ફોન કરી આ કંડકટરની દાદાગીરીની વાત જણાવી હતી. બાદમાં ફોન કંડકટરને આપતા નરેશભાઈએ વાત કરતા કંડક્ટરે જણાવ્યું હતું કે તમારી દીકરીને બાયપાસથી લઈ જાવ ત્યારે નરેશભાઇએ કંડકટરને જણાવ્યું હતું કે થોડી વાર ત્યાં બસ ઉભી રાખો હું રાજકોટ વિભાગીય નિયામક અને ડેપો મેનેજર સાથે વાત કરાવુ છું. બાદ આ ભાઈ ઢીલા પડ્‌યા હતા અને બસ પાછી ફેરવી ગામમાં લાવ્યા હતા.