યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો કાનૂની ફટકો પડ્યો છે. પોર્ટલેન્ડની એક ફેડરલ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઓરેગોન નેશનલ ગાર્ડના ૨૦૦ સભ્યોની તૈનાતી પર અસ્થાયી રૂપે રોક લગાવી દીધી છે. ન્યાયાધીશ કરેન ઇમરગુટે શનિવારે આ ચુકાદો આપ્યો, જે ઓછામાં ઓછા ૧૮ ઓક્ટોબર સુધી અમલમાં રહેશે.આ આદેશ પોર્ટલેન્ડમાં ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ સુવિધાઓનું રક્ષણ કરવા માટે લશ્કરી દળો તૈનાત કરવાની ટ્રમ્પની યોજનાને અવરોધે છે. ટ્રમ્પે તાજેતરમાં પોર્ટલેન્ડને “યુદ્ધગ્રસ્ત શહેર” તરીકે વર્ણવ્યું હતું, અને કહ્યું હતું કે ત્યાં ઘરો બળી રહ્યા છે અને અરાજકતા ફેલાઈ રહી છે.૨૭ સપ્ટેમ્બરના રોજ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ‰થઆઉટ પર પોસ્ટ કરી હતી, જેમાં જાહેરાત કરી હતી કે તેમણે ઓરેગોનના ગવર્નર ટીના કોટેક સાથે વાત કરી છે અને સૈનિકો મોકલવાનો નિર્ણય લીધો છે. જો કે, રાજ્ય અને શહેરના અધિકારીઓએ કોર્ટમાં અપીલ કરી હતી, આ નિર્ણયને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો હતો.કાનૂની લડાઈ વચ્ચે, ઓરેગોનના એટર્ની જનરલ ડેન રેફિલ્ડે ૨૮ સપ્ટેમ્બરના રોજ દાવો દાખલ કર્યો હતો, જેમાં ટ્રમ્પના આ પગલાને ગેરબંધારણીય ગણાવ્યો હતો. વકીલોએ દલીલ કરી હતી કે પોર્ટલેન્ડમાં તાજેતરના વિરોધ પ્રદર્શન નાના, શાંતિપૂર્ણ અને મર્યાદિત હતા, જે ૨૦૨૦ ના મોટા વિરોધ પ્રદર્શનોથી તદ્દન વિપરીત છે.તેઓએ દલીલ કરી હતી કે ટ્રમ્પ ફક્ત રાજકીય રીતે અસંમત ડેમોક્રેટિક શહેરોને નિશાન બનાવી રહ્યા છે, જે યુએસ બંધારણના ૧૦મા સુધારાનું ઉલ્લંઘન કરે છે. ૨૦૧૯ માં ટ્રમ્પ દ્વારા નિયુક્ત કરાયેલા ન્યાયાધીશ ઇમરગુટે તેમના ચુકાદામાં લખ્યું હતું કે, “રાષ્ટ્રપતિને લશ્કરી નિર્ણયોમાં આદર આપવામાં આવે છે, પરંતુ તેઓ તથ્યોને અવગણી શકતા નથી. અહીં કોઈ બળવો કે કાયદો અને વ્યવસ્થા માટે ગંભીર ખતરો નથી.









































