મચ્છરોથી ફેલાતા ડેંગ્યુ માટે ઈ.સ. ૨૦૨૪નું વર્ષ સૌથી ખરાબ રહ્યું છે. લાન્સેટના આજના રિપોર્ટ મૂજબ તા. ૨૩ જૂલાઈની સ્થિતિએ ૧૭૬ દેશોમાં ૧ કરોડથી વધુ કેસો નોંધાઈ ગયા છે અને આ આંકડો ઈ.સ. ૨૦૨૩ને પણ પાર કરી ગયો છે. તો બીજી તરફ ગુજરાત સહિત ભારત ઉપર પણ ડેંગ્યુનો ખતરો વધ્યો છે અને ચાલુ વર્ષના ૬ માસમાં જ ગુજરાતમાં ૮૯૩ સહિત દેશમાં ૩૨.૦૯૧ પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં સત્તાવાર રીતે ૩૨ના મોત જાહેર થયા છે.
મેલેરિયા વિભાગના સૂત્રો અનુસાર ડેંગ્યુ એ એડીસ પ્રકારના મચ્છરો કરડવાથી ફેલાય છે અને આ મચ્છરની ચેપ ફેલાવવાની તીવ્રતા એવી છે કે તે જેટલા વ્યક્તિને કરડે એટલામાં ચેપ ફેલાવી શકે છે. વળી, આ મચ્છરો ઘર-ઓફિસમાં જ રહે છે અને તેથી ખતરો ઘરમાં જ વધારે છે. માત્ર દિવસના સમયે જ વધારે કરડે છે. એટલું જ નહીં, આ મચ્છરોમાં જે ચેપગ્રસ્ત થયું હોય તે ઈંડા મુકીને વસ્તી વધારો કરે તે નવા જન્મતા મચ્છર પણ ચેપ ફેલાવે છે. અને આ રોગ શિયાળા,ઉનાળામાં ઓછો પણ ચોમાસામાં વરસાદ પછી મચ્છરોની સંખ્યા વધવા સાથે ખૂબ વધે છે. આમ, ગુજરાત સહિત દેશમાં નોંધાયેલા કેસો ઓફ સીઝનના છે અને આ રોગચાળાની સીઝન તો હવે શરુ થઈ છે.
ભારતમાં માત્ર કોરોના વાયરસની એન્ટ્રીના વર્ષમાં ડેંગ્યુ કેસો ઘટયા હતા, ગત ત્રણ વર્ષથી સતત વધી રહ્યા છે. રાજકોટ જેવા શહેરમાં ટેસ્ટીંગ ઓછુ થાય છે,કેસો પણ ઓછા દર્શાવાય છે તેવી ફરિયાદો પણ ઉઠતી રહી છે.