કેરળના દક્ષિણ કોલ્લમ જિલ્લામાં દરિયા કિનારા પર એક કમનસીબ ઘટના બની છે લાઇબેરિયન કાર્ગો જહાજ દરિયામાં ડૂબી ગયું. પોલીસે સોમવારે જણાવ્યું હતું કે ડૂબી ગયેલા લાઇબેરિયન કાર્ગો જહાજ પરના કન્ટેનર કિનારા પર તરતા શરૂ થઈ ગયા છે. તમામ ૨૪ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આ જહાજ ડૂબવાને કારણે, મોટા પ્રમાણમાં તેલ છલકાયું છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ જહાજમાં કુલ ૬૪૦ કન્ટેનર હોવાનું જાણવા મળે છે, જેમાંથી ૧૩ કન્ટેનરમાં ખતરનાક સામગ્રી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે જહાજ પલટી ગયા અને દરિયામાં ડૂબી ગયા બાદથી દરિયાકાંઠાના વિસ્તારમાં તેલ ઢોળવાનું શરૂ થયું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અનુસાર, જહાજના ટેન્કોમાં લગભગ ૮૪.૪૪ મેટ્રિક ટન ડીઝલ અને ૩૬૭.૧ મેટ્રિક ટન ફર્નેસ ઓઇલ હતું. આ ઉપરાંત, કેટલાક કન્ટેનરમાં કેલ્શીયમ કાર્બાઇડ જેવા અત્યંત જાખમી અને જ્વલનશીલ પદાર્થો હોવાનું પણ જાણવા મળ્યું છે, જે દરિયાઈ પાણી સાથે પ્રતિક્રિયા કરીને એસિટિલિન ગેસ ઉત્સર્જિત કરી શકે છે.
ડૂબી ગયેલા જહાજમાંથી લગભગ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેલ નીકળી રહ્યું છે, જેના કારણે સમગ્ર કેરળ કિનારા પર પર્યાવરણીય સંકટ સર્જાયું છે. આ ઘટનાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારી અને શિપિંગ પ્રવૃત્તિઓને પણ અસર થઈ છે. દરિયાકાંઠાની પોલીસે જણાવ્યું હતું કે રવિવારે જ કેટલાક કન્ટેનર દરિયાકાંઠાના વિસ્તારમાં તણાઈ ગયા હતા. કોલ્લમ કિનારાથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ચાર કન્ટેનર મળી આવ્યા છે. અધિકારીઓએ સ્થાનિક લોકોને કન્ટેનરથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ વસ્તુઓને સ્પર્શ ન કરવા વિનંતી કરી છે. સંબંધિત એજન્સીઓએ પરિસ્થીતિનો તાગ મેળવવા માટે દરિયાકાંઠાના વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કર્યા છે.
આ આપત્તિનો સામનો કરવા માટે વહીવટીતંત્ર અને કોસ્ટ ગાર્ડ સતર્ક છે.આઇસીજી પ્રદૂષણ નિયંત્રણ અને પ્રતિભાવ કામગીરીનું સંકલન કરી રહ્યું છે. તેલના ઢોળાવને રોકવા માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે. પર્યાવરણીય અસરને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર અને કેન્દ્રીય એજન્સીઓ આ કટોકટીનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે.










































