અફઘાનિસ્તાને સ્થાનિક બજોરમાં ભાવને અંકુશમાં રાખવા અને માંગને પહોંચી વળવા માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જેની સીધી અસર ભારતીય બજોરમાં પણ દેખાશે તેવી ધારણા છે. અફઘાનિસ્તાનના ચેમ્બર ઓફ એગ્રીકલ્ચર એન્ડ લાઇવસ્ટોકએ એક નિવેદનમાં જણાવ્યું કે, સમગ્ર દેશમાં દુષ્કાળને કારણે ડુંગળીના પાકમાં ઘટાડો થયો છે જેના કારણે ભાવ પણ વધી રહ્યા છે.
અફઘાનિસ્તાનમાં હાલ સાત કિલોગ્રામ ડુંગળીની કિંમત ૨૦૦ અફઘાની છે. સ્થાનિક બજોરમાં મર્યાદિત પુરવઠાની સામે માંગ વધારે રહેતા ભાવ વધી રહ્યા છે જેને અંકુશમાં રાખવા નિકાસ બંધ કરી દેવાઇ છે. સામાન્ય હાલના સમયગાળા દરમિયાન અફઘાનિસ્તાનમાં સાત કિલો ડુંગળીની કિંમત ૩૦ અફઘાનીની આસપાસ રહેતી હોય છે.
ભારતમાં સામાન્ય રીતે સપ્ટેમ્બરથી જ ડુંગળીના ભાવ ધીમી ધીમે વધવા લાગે છે અને ડિસેમ્બર સુધી ઉંચા સ્તરે રહે છે. ભારતમાં પણ સ્થાનિક બજોરોમાં સપ્લાય ઘટતા ભાવ વધી રહ્યા છે. ગત મહિને મહારાષ્ટ્રના લાણસગાંવના બજોરમાં ગુણવત્તા અનુસાર પ્રતિ ક્વિન્ટલ રૂ. ૪૦૦થી ૧૦૦૦ના ભાવે વેચાતી ડુંગળીના ભાવ હાલ વધીને રૂ. ૬૦૦થી ૧૬૦૦ની વચ્ચે બોલાઇ રહ્યા છે. નાસિકના બજોરમાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ સોમવારના રૂ. ૧૨૦૦ પ્રતિ ક્વિન્ટલથી વધીને હાલ રૂ. ૧૩૨૦ની આસપાસ બોલાઇ રહ્યો છે જે છેલ્લા ત્રણ મહિનાનો સૌથી ઉંચો ભાવ છે. તો દિલ્હીની આઝારપુર મંડીમાં પણ ભાવ અગાઉ રૂ. ૫૦૦થી ૧૫૦૦ પ્રતિ ક્વિન્ટલની વચ્ચે હતા જેના હાલ રૂ. ૬૦૦થી ૨૦૦૦ની વચ્ચે બોલાઇ રહ્યા છે.