રાજુલાના ડુંગર ગામે ટ્રેકટરમાં ડુંગળી ભરવા જવા મુદ્દે કુટુંબીજનોમાં માથાકૂટ થઈ હતી અને બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. નટુભાઈ છગનભાઈ ટોપરાણી એ વિશાલભાઇ રમેશભાઇ ટોપરાણી, કિરીટભાઇ રમેશભાઇ ટોપરાણી તથા હંસાબેન રમેશભાઇ ટોપરાણી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના નાના ભાઇ હરેશભાઇ તથા તેમના પત્નીએ તેના મોટા ભાઇ રમેશભાઇના ટ્રેકટરમાં ડુંગળી ભરવા જવાની ના પાડી હતી. જેનું મનદુઃખ રાખી કુહાડી તથા ધારીયા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત ગાળો બોલી મુંઢમાર માર્યો હતો અને તેમના રહેણાંક મકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી તેમને તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ વિશાલભાઇ રમેશભાઇ ટોપરાણી (ઉ.વ.૨૫)એ હર્ષાબેન હરેશભાઇ ટોપરાણી, હરેશભાઇ છગનભાઇ ટોપરાણી, હસમુખભાઇ છગનભાઇ ટોપરાણી તથા નટુભાઇ છગનભાઇ ટોપરાણી સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે હર્ષાબેન તથા હરેશભાઈને ટ્રેકટરમાં ડુંગળી ભરવા કામે આવે ત્યારે છોકરા સાથે નહી લાવવા જણાવ્યું હતું. જેનું મનદુઃખ રાખી તેઓ તેમને માર મારવાની વાતો કરતા હોય જે બાબતે તેની માતાએ ઠપકો આપતા સારૂ નહોતું લાગ્યું. જેને લઈ તેમને તથા તેના માતાને ગાળો આપી મુંઢમાર માર્યો હતો અને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.