બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં દારૂગોળામાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેમાં ૨૦થી વધારે શ્રમિકોના મોત થયા હતા. આ દુર્ઘટનાની તટસ્થ તપાસ થાય અને ગુનેગારનો ચહેરો સામે આવે તે માટે સરકાર દ્વારા એસઆઇટીની રચના કરવામાં આવી છે.એસઆઇટીને ૧૫ દિવસમાં રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ પણ કરાયો હતો. પરંતુ હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે એસઆઇટીની રચનાના ૧૫ દિવસ બાદ પણ રિપોર્ટના ઠેકાણા નથી. તપાસ માત્ર કાગળ પર ચાલી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ઉલ્લેખનીય છે કે દુર્ઘટના બાદ ૨ એપ્રિલે તપાસ માટે એસઆઇટીની રચના કરાઇ હતી. તો સૂત્રોનું માનીએ તો એસઆઇટીના રિપોર્ટમાં દુર્ઘટના પાછળ રાજકીય સંડોવણીનો પણ ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર પિતા-પુત્રની રાજકીય સંડોવણી હોવાનું સામે આવ્યું છે. કદાચ આ જ કારણ હોઇ શકે કે એસઆઇટી રિપોર્ટ રજૂ કરતા પહેલા ફૂંકી ફૂંકીને છાશ પી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હજુ પણ એસઆઇટીને રિપોર્ટ રજૂ કરવામાં એક સપ્તાહનો સમય લાગી શકે છે. ત્યારે જાવાનું રહ્યું કે એસઆઇટી પોતાનો રિપોર્ટ ક્યારે રજૂ કરે છે. આ રિપોર્ટમાં આરોપીઓનો પર્દાફાશ થશે કે કેમ ?