તાજેતરમાં ટેક્સ ઘટાડા પછી પણ ડીઝલ અને પેટ્રોલના ભાવ દેશમાં ખૂબ જ વધારે છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડા બાદ પણ ઈંધણના છૂટક ભાવ ઓછા નથી થઈ રહ્યા. આ વચ્ચે ડીઝલ-પેટ્રોલને જીએસટી હેઠળ લાવવા અને દેશમાં સમાન ભાવ કરવાને લઈ ચર્ચા ચાલી રહી છે. જાકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની કોઈ યોજના નથી.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યસભામાં જણાવ્યું કે ડીઝલ-પેટ્રોલના ભાવ આખા દેશમાં એક સમાન કરવાની સરકાર પાસે કોઈ યોજના નથી. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું સરકાર આવી કોઈ યોજના પર વિચાર કરી રહી છે, જેથી આખા દેશમાં ડીઝલ અને પેટ્રોલના એક સમાન ભા થઈ જાય? મંત્રીએ સ્પષ્ટ કર્યું કે હાલ આવી કોઈ યોજના પર સરકાર વિચાર નથી કરી રહી.
મંત્રીએ રાજ્યસભામાં આપેલા જવાબમાં આ મુદ્દે દલીલ પણ રજૂ કરી. તેમણે જણાવ્યું કે ડીઝલ અને પેટ્રોલના છૂટક ભાવ ટ્રાન્પોર્ટેશન ખર્ચ જેવા ઘણા કારણો પર નિર્ભર કરે છે. આ જ કારણ છે કે જુદા-જુદા રાજ્યોમાં તેની કિંમત અલગ-અલગ હોય છે. ડીઝલ અને પેટ્રોલની સાથે ગેસને જીએસટી હેઠળ લાવવાના પ્રશ્ન પર રાજ્યમંત્રીએ જણાવ્યું કે નિર્ણય જીએસટી કાઉન્સિલના હાથોમાં છે. તેમણે જણાવ્યું કે જીએસટી કાઉન્સિલે અત્યારે ડીઝલ-પેટ્રોલને જીએસટી હેઠળ લાવવાની ભલામણ નથી કરી.
કેન્દ્ર સરકાર અગાઉ પણ ડીઝલ-પેટ્રોલને જીએસટી હેઠળ લાવવાની વાત પર આ વાતનું પુનરાવર્તન કરી ચુકી છે. ગત મહિને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ઘણા રાજ્યો ઈંધણને જીએસટી હેઠળ લાવવાનો વિરોધ કરી રહ્યા છે. જાકે ગડકરીએ સ્વીકાર્યું કે જા તેને જીએસટી હેઠલ લાવવામાં આવે તો ભાવમાં સામાન્ય જનતાને રાહત મળી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ ઘણી વખત કહી ચુક્યા છે કે આ અંગે નિર્ણય જીએસટી કાઉન્સિલના હાથોમાં છે.