માર્ગ અકસ્માતમાં થતાં મોત માત્ર અમરેલી જ નહીં સમગ્ર દેશમાં ચિંતાનો વિષય છે. પહેલાની સરખામણીમાં અમરેલીમાં રોડ રસ્તાની સ્થિતિમાં સુધારો થયો હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ વાહન અકસ્માતોમાં ડિસેમ્બર મહિનામાં રોજનું સરેરાશ એક મોત થયું છે. અમરેલી જિલ્લામાં ચાલુ મહિને ગમખ્વાર અકસ્માતની ત્રણ જેટલી મોટી ઘટના બની છે, જ્યારે એકલ-દોકલ અકસ્માતની સંખ્યા વધી છે.
જિલ્લામાં થયેલા અકસ્માતોના આંકડાનું વિશ્લેષણ કરતાં જણાય છે કે ૬૦ ટકાથી વધુ ઘાતક અકસ્માતો ટુ-વ્હીલરના કારણે થાય છે. ટુ-વ્હીલરના અકસ્માતમાં મોટાભાગના વાહન ચાલકોએ હેલ્મેટ પહેર્યુ નથી હોતું, જેના કારણે અકસ્માત થાય ત્યારે માથું જ પહેલું રોડ પર પટકાય છે અને ઘાતક પરિણામ આવે છે. સામાન્ય રીતે અકસ્માત ઘરના એક વ્યક્તિને થાય પરંતુ તેનું પરીણામ આખા કુટુંબને ભોગવવુ પડે છે. તેમાં પણ ઘરની જવાબદાર વ્યક્તિનું જ્યારે અકસ્માતથી મોત થાય તો આખું કુટંબ માનસિક તેમજ આર્થિક રીતે નિરાધાર થઈ જાય છે. અમરેલી જિલ્લામાં વાહનોની વધતી સંખ્યા સાથે રસ્તા પર અકસ્માતોની સંખ્યા વધી રહી છે. આ બાબત પણ લાલબત્તી સમાન છે. રોજબરોજ ક્યાંકને ક્યાંકથી અકસ્માતના સમાચાર આવતા રહે છે.