સમાજવાદી પાર્ટીએ તેના રાજ્યસભાના ઉમેદવારોના નામ ફાઈનલ કરી દીધા છે. પાર્ટી ચીફ અખિલેશ યાદવે પોતાની પત્ની ડિમ્પલ યાદવને રાજ્યસભા મોકલવાનો નિર્ણય કર્યો છે. ડિમ્પલ ઉપરાંત દેશના પ્રખ્યાત વકીલ કપિલ સિબ્બલ અને જાવેદ અલી ખાનના નામ પણ આ લિસ્ટમાં છે. કપિલ સિબ્બલ કોંગ્રેસ તરફથી રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે, જ્યારે જાવેદ અલી ખાન સપાના ખાતામાં પહેલા પણ રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે.
રાજ્યસભાની ૧૧ સીટો માટે નોમિનેશન પ્રક્રિયા ૨૪ મેથી શરૂ થઈ ગઇ છે. સમાજવાદી પાર્ટી હાલમાં ત્રણ લોકોને રાજ્યસભામાં મોકલવાની સ્થિતિમાં છે. રાજ્યસભામાં અત્યાર સુધી સપાના પાંચ સભ્યો છે. જેમાં કુંવર રેવતી રમણ સિંહ, વિશંબર પ્રસાદ નિષાદ અને ચૌધરી સુખરામ સિંહ યાદવનો કાર્યકાળ ૪ જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.
આ સાથે જ દેશના જાણીતા વકીલ અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલની રાજ્યસભાની સદસ્યતા સમાપ્ત થવા જઈ
રહી છે. તેમના વિશે અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ હવે તેમને સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભામાં મોકલવાનો રસ્તો સાફ થઈ ગયો છે. કપિલ સિબ્બલની ગણતરી કોંગ્રેસના નારાજ નેતાઓના જી-૨૩ જૂથમાં થાય છે. તેમની વાત કોંગ્રેસમાં શક્ય નહીં બને તે પણ તેમને સમજાયું હતું. સપાની યાદી પહેલા એવી ચર્ચા હતી કે તે ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના સમર્થનથી રાજ્યસભામાં જઈ શકે છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં કુલ ૪૦૩ ધારાસભ્યો છે, જેમાંથી ૨ બેઠકો ખાલી છે. આ રીતે, હાલમાં ૪૦૧ ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં એક સીટ માટે ૩૬ ધારાસભ્યોના વોટની જરૂર છે. બીજેપી ગઠબંધન પાસે ૨૭૩ ધારાસભ્યો છે, આ સ્થિતિમાં ૭ બેઠકો જીતવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. સપા પાસે ૧૨૫ ધારાસભ્યો છે. તેમને ૩ બેઠકો જીતવામાં કોઈ વાંધો નથી, પરંતુ ૧૧મી બેઠક માટે ભાજપ અને સપા વચ્ચે રાજકીય ટક્કર થશે અને એકબીજાની છાવણીમાં ઘૂસવાની કવાયત થશે.
ભાજપ અને સપાના કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરે છે તે જાવું રહ્યું, કારણ કે ત્યાર બાદ આગળનું ચિત્ર નક્કી થશે. રાજા ભૈયાની પાર્ટી જનસત્તા દળ લોકતાંત્રિક પાસે બે, કોંગ્રેસ પાસે બે, બસપા પાસે એક ધારાસભ્ય છે. ભાજપને જનસત્તા દળના બે ધારાસભ્યોનું સમર્થન મળી શકે છે. કોંગ્રેસ અને બીએસપી મત આપવા માટે સ્વતંત્ર છે કારણ કે કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નથી.