અમરેલી જિલ્લામાં ચામડીના રોગની ડિગ્રી વગર લોકોને દવાઓ આપતા ખાનગી ડોક્ટરો વિરૂધ્ધ અમરેલી ડર્મેટોલોજિકલ એસોસિએશન દ્વારા આઇએમએ અમરેલીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, અમરેલી જિલ્લામાં ચામડીના રોગની સારવાર કરવા માટેની કોઇપણ પ્રકારની ડિગ્રી ન ધરાવતા ડોક્ટરો દ્વારા એલોપેથિક દવાઓ આપવામાં આવી રહી છે. સાથોસાથ કોઇપણ પ્રકારના નોલેજ વગર સ્ટીરોઇડ પણ આપવામાં આવી રહી છે અને આ અંગે દર્દીઓને થતી આડઅસરની પણ કોઇ જાણકારી આપવામાં આવતી નથી. આવા ડિગ્રી વગરના ડોક્ટરો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરાઇ છે. તેમની આ રજૂઆતના પગલે આઇએમએ અમરેલી દ્વારા ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે અને જિલ્લાભરના આવા ડિગ્રી વગરના પ્રેકટિસ કરતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ચામડીના રોગના ડોક્ટરો સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.