દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ નેતા ડા. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું છે. તેમણે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં ૯૨ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. ગુરુવારે તેમની તબિયત વધારે નાદુરસ્ત થઈ ગઈ હતી, જેના કારણે તેઓને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાતે સારવાર દરમિયાન તેઓનું નિધન થયું હતું. તેમના નિધનના સમાચાર સામે આવતા જ દેશભરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેમના નિધન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે સહિતના રાજકીય નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે.
અનેક પુરસ્કારોથી કરાયા છે સન્માનિત – મનમોહન સિંહને તેમના યોગદાન માટે ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં પદ્મ વિભૂષણનો પણ સમાવેશ થાય છે. વર્ષ ૧૯૯૧માં પીવી નરસિમ્હા રાવની સરકારમાં નાણામંત્રી તરીકે ડા. મનમોહન સિંહે ભારતીય અર્થવ્યવસ્થાને નવું રૂપ આપ્યું હતું. તેમણે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વીકીકરણની નીતિઓ અપનાવી હતી. આ નીતિઓએ દેશની અર્થવ્યવસ્થાને વૈશ્વીક બજાર માટે ખોલી દીધી હતી.
મનમોહન સિંહે વર્ષ ૨૦૧૮માં રાજ્યસભા સીટ માટે ઉમેદવારી નોંધાવી હતી. નોમિનેશન દરમિયાન તેમણે પોતાની કુલ સંપત્તિ ૧૫.૭૭ કરોડ રૂપિયા જાહેર કરી હતી. એફિડેવિટ અનુસાર, વર્ષ ૨૦૧૮-૧૯માં તેમની કુલ કમાણી લગભગ ૯૦ લાખ રૂપિયા હતી.
વેબસાઈટમાં મનમોહન સિંહની તમામ સંપત્તિ વિશે જણાવવામાં આવ્યું છે. જે મુજબ તેમની પાસે ૩૦ હજાર રૂપયા રોકડા હતા. સાથે જ ૩.૮૬ લાખની કિંમતના દાગીના (જ્વેલરી) છે. તેમની પાસે દિલ્હી અને ચંદીગઢમાં એક-એક ફ્લેટ પણ છે. મનમોહન સિંહ પર એક રૂપિયાનું પણ દેવું નહોતું.