લોકલ બસમાં પાંચ અને એક્સપ્રેસ બસમાં રૂ.૮નું ટિકીટ ભાડુ વધ્યું
એકબાજુ સમયનો વ્યય તો બીજી બાજુ આર્થિક ડામ, મુસાફરોમાં રોષ
બગસરાથી રાજકોટ જતી એસ.ટી.બસમાં ડાયવર્ઝનને કારણે ભાડામાં વધારો ઝીંકવામાં આવતા મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે. વધારેલું ભાડુ પાછુ ખેંચવા માટે માંગ કરવામાં આવી છે. બગસરાથી રાજકોટ જતા રૂટમાં ડાયવર્ઝન કાઢવામાં આવ્યા છે. જેના કારણે એસ.ટી.વિભાગ દ્વારા ટિકીટનો ભાવધારો ઝીંકવામાં આવ્યો છે જેના લીધે મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે.
એસ.ટી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બગસરાથી રાજકોટ જવા માટે લોકલ બસમાં રૂ.૬ જયારે એક્સપ્રેસમાં રૂ.૮નો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. આ અંગે આપ આગેવાન કાંતિભાઈ સતાસીયાએ જણાવ્યું છે કે, એસ.ટી. વિભાગ દ્વારા ડાયવર્ઝનને કારણે મુસાફરોને આર્થિક ડામ આપવામાં આવી રહ્યો છે. ડાયવર્ઝનને કારણે મુસાફરોને સમયનો પણ વ્યય થાય છે. છેલ્લાં મહિનાઓમાં મુસાફરો પર ૧૦% ભાવવધારો ઝીંક્યા બાદ રોજીંદા મુસાફરોના માસિક પાસમાં ૧પ દિવસને બદલે ૧૮ દિવસના પૈસા લેવામાં આવી રહ્યાં છે. આમ, બગસરાથી રાજકોટ જતા મુસાફરોને આર્થિક ડામ આપવામાં આવતો હોવાથી ભારે રોષ ફેલાયો છે.







































