સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે કાર્તિક પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીની ભક્તિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન રણછોડરાયજીને આજે વિશેષ શણગાર કરવા સહિત રત્નજડિત મોટો મુગટ ધારણ કરાવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકોનો મહેરામણ ઊમટી પડ્યો હતો. ભગવાનના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.જાકે ભારે ભીડ જામતા અવ્યવસ્થા સર્જાઇ હતી દેવ દિવાળીએ ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ ભગવાન રણછોડરાયજીને કીમતી રત્નો જડિત મોટો મુગટ ધરાવાયો હતો. જેમાં ભગવાનના દિવ્ય સ્વરૂપ અને ભવ્ય શણગારના દર્શન કરી ભાવિકોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. ધોળી ધ્વજા તેમજ તુલસીના ક્્યારા સાથે મોટી સંખ્યામાં દર્શને પહોંચેલા ભાવિકોના ‘જય રણછોડ માખણ ચોર’ના નારાથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઊઠ્યો હતો.ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈ સંવત ૧૨૧૨માં કાર્તિક પૂર્ણિમાએ ભગવાન દ્વારકાધીશ દ્વારિકાથી ડાકોર પધાર્યા હતા. ભક્તની ભક્તિથી પ્રેરાઈને ભગવાન બળદગાડામાં બેસીને ડાકોર આવ્યા હતા. આજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શને આવે છે. મંદિરે ધ્વજાજી અર્પણ કરે છે.ડાકોર રણછોડરાયજી મંદિરના પૂજારી બિરેનભાઈ સેવકે જણાવ્યું હતું કે શ્રી રણછોડરાયજી મહારાજને ત્યાં આજના દેવ દિવાળીના ઉત્સવની ઉજવણી ખૂબ જ  ધામધૂમથી કરવામાં આવે છે. ભક્તો લાખોની સંખ્યામાં ભગવાનના દર્શન માટે આવે છે. આજની પૂનમનો એક વિશેષ મહિમા છે. આ દિવસે ભગવાન દ્વારિકાથી ડાકોર પધાર્યા હતા. તે ભક્ત સાથે આવ્યા હતા. ભગવાન ભક્તને આધીન થઈ આ દિવસે અહીં પધાર્યા હતા. એટલા માટે આ દિવસની ઉજવણી ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે. મંદિરને સુંદર રીતે શણગારવામાં આવે છે. તેમજ શ્રીજી મહારાજને પણ સુંદર આભૂષણોથી સુસજ્જ કરી ભક્તોના દર્શન માટે તૈયાર કરવામાં આવે છે. ભક્તોને ભગવાન ખૂબ જ આશીર્વાદ આપે છે.