ગુજરાતમાં સૌથી વધુ હાઈલાઈટ થતા ડાંગનુ રાજકારણ ગરમાયું, ધારાસભ્ય પર ધર્મપરિવર્તનનો આક્ષેપ ઉઠ્‌યો છે. ડાંગના ધારાસભ્ય વિજય પટેલ શબરી મંદિરના ગર્ભગૃહમાં ખ્રિસ્તી સમાજના અગ્રણીઓને લઈ જતા વિવાદ થયો છે. જેથી સ્વામી અસીમાનંદે શબરીધામ સેવા સમિતિના સભ્યપદેથી ધારાસભ્ય વિજય પટેલને બરખાસ્ત કર્યાં છે. વિજય પટેલને શબરીધામ સેવા સમિતિના સભ્યપદેથી મુક્ત કરાયા છે.
ગુજરાતના છેવાડે આવેલ આદિવાસી જિલ્લામાં મોટાપાયે ધર્મપરિવર્તનની પ્રવૃત્તિઓ ચાલે છે. જેને અટકાવવા માટે વિરોધ ઉઠ્‌યા છે. ત્યારે ધર્મ પરિવર્તન વિરુદ્ધની ઝુંબેશથી વિપરીત વર્તનનો આરોપ ડાંગના ધારાસભ્ય વિજય પટેલ પર લાગ્યો છે. ડાંગ જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ શબરીધામના શબરીધામ સેવા સમિતિ ટ્રસ્ટના સભ્યપદેથી ડાંગના ધારાસભ્યને મુક્ત કરવાનો સમિતિએ ફરતો ઠરાવ કરતાં ડાંગનું રાજકારણ ગરમાયુ છે. ભાજપના આગેવાનો તખા ખ્રિસ્તી સમાજના અગ્રણીઓ સાથે વિજય પટેલે શબરધામના મંદિરના ગર્ભ ગૃહમાં જઈને દર્શન કર્યા હતા. આમ ખ્રિસ્તીઓની ગર્ભગૃહમા લઈ જતા અને દર્શન કરતાં વિજય પટેલને સભ્ય પદેથી દુર કરવામાં આવ્યા છે.
ધારાસભ્ય વિજય પટેલ શબરીધામ સેવા સમિતિ ટ્રસ્ટના સભ્ય છે. હિન્દુ સંસ્કૃતિના પ્રતીક સમાન શબરીધામમા ધર્મપરિવર્તનની કામગીરી સામે ઝુંબેશ હાથ ધરાઈ છે ત્યારે સમિતિના સિધ્ધાંત વિરુદ્ધ વર્તન કર્યુ હોવાનું ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરી તેમને સભ્ય પદેથી દુર કરવામાં આવ્યા છે. મંદિરમાં સ્વામી અસીમાનંદજીના અધ્યક્ષસ્થાને મળેલી ટ્રસ્ટની મિટિંગમાં સંઘના કાર્યકર અને હિન્દુવાદી ધારાસભ્ય વિજય પટેલને દુર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શબરીધામ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા ફરતાં ઠરાવમાં સ્વામી અસીમાનંદજીની સહી હોવાથી તે પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ડાંગનું રાજકારણ ગરમાયુ છે.
ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં પુર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની આગેવાનીમા સેંકડો ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ ભાજપને ટેકો જોહેર કરી ધારાસભ્ય વિજય પટેલને ભવ્ય જીતના સહભાગી બન્યા હતા. ત્યારે ધર્મપરિવર્તન વિરુદ્ધની ઝુંબેશથી વિપરીત વર્તનનો આરોપ અંગે વિજય પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, શબરીધામ ટ્રસ્ટે જે નિર્ણય લીધો એ મને શિરોમાન્ય છે. મુક્ત કરવાનું શું કારણ છે તે મને સ્પષ્ટ ટ્રસ્ટીઓ દ્વારા કહેવામાં આવ્યું નથી. શબરીધામના ટ્રસ્ટીઓ એ જે નિર્ણય લીધો છે એ માન્ય છે.