ગુજરાતમાં પેટાચૂંટણીની જાહેરાત બાદ કડી અને વિસાવદરમાં ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે. સૌથી મોટી ચર્ચા હાલમાં ગુજરાતમાં વિસાવદરની છે. આપે અહીં ગોપાલ ઇટાલિયા પર દાવ લગાવ્યો છે અને ભાજપ કોઈ પણ સંજાગોમાં ગોપાલને વિધાનસભાના પગથિયાં સુધી ના પહોંચે એ માટે પ્રયાસ કરશે. પરંતું મોટો ખેલ તો ભાજપે મહેસાણામાં પાડ્યો છે. ભાજપે બાયોટેડા આપનાર ૭૦ દાવેદારોમાંથી પસંદ કરવાના બદલે જૂના જનસંઘી કાર્યકરને ટિકિટ આપી સૌને ચોંકાવ્યા છે. નીતિન પટેલ અને વિનોદ પટેલ છેક સુધી પોતાના ઉમેદવાર માટે લોબિંગ કરી રહ્યાં હતા પણ એમનો પનો ટૂંકો પડ્યો છે.

રાજેન્દ્ર ચાવડા ૪૦ વર્ષ બાદ ફરી સક્રિય રાજકારણમાં જોડાયા છે. કહેવાય છે કે દિલ્હીથી ફાયનલ થયેલા નામે સ્થાનિક નેતાઓ સાથે ભાજપ સંગઠનને પણ ચોંકાવ્યું છે. રાજેન્દ્ર ચાવડા ૧૯૮૫માં છેલ્લી ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. હવે ભાજપે એમના નામની જાહેરાત કરીને સૌથી મોટો ઝટકો નીતિન પટેલની લોબીને આપ્યો હતો. કાકા આ ચૂંટણીમાં કડીના ઉમેદવારને જીતાડવા માટે સક્રિય થઈ ગયા છે. કડીમાં હાલમાં રાજેન્દ્ર ચાવડા કરતાં નીતિન પટેલનો ભાજપમાં ગજ ના વાગ્યો અને મનની મનમાં રહી ગયાની સૌથી મોટી ચર્ચા છે. કડીની બેઠક પણ એક જ પાર્ટીને ક્યારેય મહત્વ આપતી ન હોવાથી અહીં ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારો માટે તક હોય છે.

મહેસાણા જિલ્લાની કડીની બેઠક પર એક સમયે નીતિન પટેલનો દબદબો હતો. હવે આ બેઠક અનામત થઈ હોવાથી કાકાએ મહેસાણા બેઠક પર પસંદગી ઉતારી અને અહીંથી જીતીને ડેપ્યુટી સીએમ પણ બન્યા હતા. કડી એ નીતિન પટેલનું માદરે વતન હોવાની સાથે નીતિનભાઈ અહીં એમપીએમસીમાં પણ મોટો રોલ ભજવી ચૂક્યા છે. ભાજપના પાટીદાર નેતાનો કડી મત વિસ્તારમાં પડતો બોલ ઝીલાય છે. કડીના ધારાસભ્ય કરસનભાઇ સોલંકીના નિધનથી ખાલી પડેલી કડી વિધાનસભા બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં સોમવારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ ૧૮ ફોર્મ ભરાયાં હતાં. જેમાં રમેશ ચાવડાએ કોંગ્રેસમાંથી, જ્યારે ૪૦ વર્ષ બાદ ફરી રાજકારણમાં પરત આવેલા રાજેન્દ્ર ચાવડાએ ભાજપમાંથી ફોર્મ ભર્યું હતું. આમઆદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડાએ ફોર્મ ભર્યું છે.

કોંગ્રેસે રમેશ ચાવડાને ફરી રિપિટ કરતાં ભાજપે પણ અહીં ખેલ કર્યો હતો. કડીના મજબૂત દાવેદારોને પડતાં મૂકી જાટાણાના જૂના જનસંઘી કાર્યકર રાજેન્દ્ર ચાવડાને જાહેર કરી પક્ષના આંતરિક વિખવાદને ખાળ્યો છે. છેક છેલ્લા સમય સુધી પોતાના ઉમેદવાર માટે લોબિંગ કરનાર નીતિન પટેલ અને વિનોદ પટેલ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની સાથે જોવા મળ્યા હતા. ૨૦૧૭માં ભાજપના કરશન સોલંકી સામે ૭૭૪૬ મતથી હારી જનારા રમેશ ચાવડાને કોંગ્રેસે અહીં ફરી તક આપી છે. જ્યારે ભાજપે જાટાણાના વતની અને જનસંઘના કાર્યકર ચાવડા રાજેન્દ્રકુમાર દાનેશ્વર ચાવડા (૬૬) સને ૧૯૮૧ થી ૮૬ સુધી મહેસાણા તાલુકા પંચાયતમાં જાટાણા બેઠક પરથી ભાજપના સદસ્ય રહેનારને તક આપી છે. રાજેન્દ્રકુમાર દાનેશ્વર ચાવડા ૧૯૮૫માં જાટાણા બેઠક પરથી કોંગ્રેસના માનસીંગભાઇ જાદવ સામે માત્ર ૪૩૧૨ મતથી હાર્યા હતા. ૬૬ વર્ષીય રાજેન્દ્રકુમાર અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ છે. તેમની પાસે જાટાણામાં મકાન સહિત કુલ રૂ.૧૦ લાખની સ્થાવર અને રૂ.૭,૮૬,૮૩૩ ની જંગમ મિલકત છે. જેમાં ૬ તોલા સોનું અને ૫૦૦ ગ્રામ ચાંદી છે. જેઓ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનના ડિરેક્ટર સહિત ભાજપના વિવિધ હોદ્દા ઉપર રહી ચૂક્યા છે.