મધ્યપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કર્યું કે ઓબીસી અનામત સંબંધિત ટ્રાન્સફર અરજીઓ પર અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી, રાજ્યમાં અન્ય પછાત વર્ગો માટે ૨૭% અનામત લાગુ કરવામાં આવશે નહીં. સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને માહિતી આપી હતી કે આ કાયદા પર કોઈ સ્ટે ન હોવા છતાં, સંબંધિત અરજીઓ પર નિર્ણય બાકી હોવાથી સરકાર હાલમાં તેનો અમલ કરી શકતી નથી. ન્યાયાધીશ પીએસ નરસિંહા અને ન્યાયાધીશ આર. મહાદેવનની ડિવિઝન બેન્ચે સરકારના આ જવાબને રેકોર્ડ પર લેતા, તેને છત્તીસગઢના સમાન કેસ સાથે જાડીને સુનાવણીની વ્યવસ્થા કરી છે.
આ અરજી જબલપુરના રહેવાસી કીર્તિ ચોકસે, બાલાઘાટના નિશ્ચય પુત્ર વર્ષે અને અન્ય લોકો દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ ઓબીસી શ્રેણીના છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પસંદગી પામ્યા હોવા છતાં, અનામતનો લાભ ન મળવાને કારણે તેઓ નિમણૂકથી વંચિત છે. અરજદારો વતી વરિષ્ઠ વકીલ રામેશ્વર સિંહ ઠાકુરે દલીલ કરી હતી કે સરકારે ૮ માર્ચ ૨૦૧૯ ના રોજ એક વટહુકમ લાવીને ઓબીસીને ૨૭% અનામત આપવાનો નિર્ણય લીધો હતો અને ૧૪ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. કોઈ પણ કોર્ટે આ કાયદા પર રોક લગાવી નથી, તેમ છતાં સરકાર તેનો અમલ કરી રહી નથી.
અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે છત્તીસગઢમાં સુપ્રીમ કોર્ટે વચગાળાના આદેશ હેઠળ ૫૦% થી વધુ અનામત લાગુ કરવાની મંજૂરી આપી છે. સમાનતાના આધારે, મધ્યપ્રદેશમાં પણ ૨૭% અનામત લાગુ કરવી જાઈએ. સરકારે આ દલીલનો વિરોધ કર્યો અને કહ્યું કે મધ્યપ્રદેશના કેસ પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં પેન્ડીગ હોવાથી, હાલમાં આ કરી શકાતું નથી. વરિષ્ઠ વકીલ રામેશ્વર સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે ૨૦૧૯નો કાયદો સંપૂર્ણપણે અસરકારક છે અને કોઈપણ કોર્ટે તેના પર સ્ટે આપ્યો નથી. જા સરકાર ઇચ્છે તો, તે આજે પણ તેનો અમલ કરી શકે છે, પરંતુ તેણે નિર્ણય ટાળ્યો છે અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં મોકલ્યો છે. વાસ્તવિક ઉકેલ ત્યારે જ આવશે જ્યારે સુપ્રીમ કોર્ટની મોટી બંધારણીય બેન્ચ અંતિમ નિર્ણય આપશે.
અત્યાર સુધી શું થયું
– ૮ માર્ચ ૨૦૧૯ઃ કોંગ્રેસ સરકારે વટહુકમ લાવીને ૨૭% અનામતની જાહેરાત કરી.
– ૧૪ ઓગસ્ટ ૨૦૧૯ઃ વિધાનસભાએ કાયદો પસાર કર્યો, વટહુકમને કાયદા દ્વારા બદલવામાં આવ્યો.
કાયદાના સમર્થનમાં ૩૫ અને વિરોધમાં ૬૩ અરજીઓ દાખલ કરવામાં આવી હતી.
– ઓક્ટોબર ૨૦૧૯ઃ કમલનાથ સરકારે કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો, જેને ભાજપ સરકારે પણ ચાલુ રાખ્યો.
– ૧૮ ડિસેમ્બર ૨૦૨૪ઃ પ્રથમ સુનાવણી હાઇકોર્ટમાં થઈ હતી, પરંતુ મામલો સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.









































