અમેરિકામાં પ્રમુખપદના રિપબ્લિકન પક્ષના અભ્યર્થી ડાનાલ્ડ ટ્રમ્પ ૧૩ જુલાઈએ પેન્સિલવેનિયામાં એક સભાને સંબોધી રહ્યા હતા ત્યારે એક આક્રમણકારીએ તેમના પર અનેક ગોળીઓ છોડી. તેમાં ટ્રમ્પ માંડમાંડ બચ્યા. આનાથી અમેરિકાની મહાસત્તાની પોલ ખુલ્લી પડી ગઈ. જે દેશ પોતાના રાષ્ટ્રપ્રમુખ પદના અભ્યર્થીની સુરક્ષા વ્યવસ્થા ન કરી શકતો હોય તે આખા વિશ્વની સુરક્ષાની ચિંતા કરે તે કેવો દંભ! આક્રમણકારીને તો મારી નખાયો પરંતુ તેની ઓળખ ૨૦ વર્ષના થોમસ મેથ્યૂ ક્રૂકસ તરીકે થઈ છે. આક્રમણકારી રિપબ્લિકન પક્ષનો નોંધાયેલો મતદાર હતો. આ એક થાપ ખવડાવવાનો પ્રયાસ હોઈ શકે કે તમને તમારા જ સમર્થકો પસંદ નથી કરતા. કારણકે પછી અમેરિકી ચૂંટણી પંચના રેકાર્ડ પરથી એવું બહાર આવ્યું કે થોમસે જા બાઇડેનના ડેમોક્રેટિક પક્ષની સાથે જોડાયેલા પ્રાગ્રેસિવ ટર્નઆઉટ પ્રાજેક્ટ નામના એક સંગઠનને ૧૫ ડાલરનું દાન આપ્યું હતું. તેણે સીધી રીતે ડેમોક્રેટિક પક્ષને દાન નહોતું આપ્યું, પરંતુ આડકતરી રીતે આપ્યું હતું.
શું ટ્રમ્પનો આ સહાનુભૂતિ મેળવવાનો સ્ટંટ હતો?
ટ્રમ્પ વિરોધીઓ એવું કહી રહ્યા છે કે ટ્રમ્પનો આ સહાનુભૂતિ મેળવવાનો સ્ટંટ હતો. પરંતુ ૩ જુલાઈએ ટ્રમ્પ અને વર્તમાન પ્રમુખ જા બાઇડેન વચ્ચે થયેલી ટીવી ચર્ચા પછી થયેલા રાષ્ટ્રીય સર્વેક્ષણમાં ટ્રમ્પની જીતવાની શક્યતા બાઇડેન કરતાં ઘણી-ઘણી વધી ગઈ હતી. ટ્રમ્પને ૪૯ ટકા મતદારો, જ્યારે બાઇડેનને ૪૩ ટકા મતદારોના મત મળવાની શક્યતા હતી. આવી સ્થિતિ હોય ત્યારે, સ્વાભાવિક છે કે, ટ્રમ્પ પોતાના પર તો હુમલો ન જ કરાવે. પરંતુ ભારતમાં મમતા બેનર્જી દર ચૂંટણી વખતે ઘાયલ થતા હોય છે અને તેમને સહાનુભૂતિ મળી જતી હોય છે. તેથી લેફ્‌ટ-લિબરલોને આવું લાગી શકે. અરવિંદ કેજરીવાલ પર ચૂંટણી પહેલાં થપ્પડ મારવાની કે શાહી ફેંકવાની ઘટનાઓ બનતી હતી જેમાંથી એક તો આઆપનો જ સમર્થક નીકળ્યો હતો. હાર્દિક પટેલ જ્યારે ભાજપ પહેલાં આંદોલનકારી હતો ત્યારે તેને પણ થપ્પડ પડી હતી. ‘ટુકડે ટુકડે’ ગેંગ લીડર અને દિલ્લીના કાંગ્રેસના અભ્યર્થી કન્હૈયાકુમારને પણ લોકસભાની વર્તમાન ચૂંટણી પ્રચારમાં થપ્પડ પડી હતી અને તેના પર શાહી ફેંકાઈ હતી. અમેરિકામાં જા બાઇડેનની પ્રતિષ્ઠા તળિયે પહોંચી ગઈ છે. યુક્રેઇનને ચડાવીને રશિયા સામે બાથ ભીડાવીને યુક્રેઇનને હથિયારો પૂરા પાડીને તેમણે દેશનો દાટ વાળ્યો છે. કટ્ટર હરીફ એવા ચીન સામે મજબૂત નીતિ અપનાવી નથી. તેમના શાસનમાં લૂટફાટ, ભારતીયોની હત્યાઓ વધી ગઈ છે. અમેરિકાની ઇઝરાયેલ સંબંધિત નીતિ પણ સંદિગ્ધ રહી છે. અમેરિકાની યુનિવર્સિટી કેમ્પસમાં પેલેસ્ટાઇન તરફીઓએ હિંસા કરી હતી તે અમેરિકાના મતદારો ભૂલે તેમ નથી. બાઇડેનને પોતાને વિસ્મૃતિનો રોગ છે. તેઓ બોલવાનું ભૂલી જાય છે. કઈ બાજુ જવાનું છે તે ભૂલી જાય છે. આમ જુઓ તો ૮૧ વર્ષે પણ ઘણા સક્રિય હોય છે. પરંતુ બાઇડેનને વય સ્પષ્ટ દેખાય છે. રાષ્ટ્રપ્રમુખ તરીકે તેઓ સાવ નબળા અને પ્રભાવહીન સાબિત થયા છે. એમાંય ટ્રમ્પ સામેની ડીબેટમાં તો સાવ નબળા પૂરવાર થયા. ડેમોક્રેટિક પક્ષની અંદર જ તેમની સામે પ્રશ્નો છે. પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ તેમનો સાથ છોડી દીધો છે. પક્ષના લોકો તેમને સ્પર્ધામાંથી હટી જઈ બીજાને અવસર આપવા કહે છે, પરંતુ બાઇડેન ફરીથી રાષ્ટ્રપ્રમુખ બનવા લાલચુ છે. આમ, સ્વાભાવિક છે કે ટ્રમ્પ તો પોતાના પર આક્રમણ ન જ કરાવે. પૂરી શક્યતા છે કે ડેમોક્રેટિક પક્ષની વિચારધારામાં માનતા કોઈએ આ આક્રમણ કરાવ્યું હોય.
લેફ્‌ટ-લિબરલ મીડિયાએ આ આક્રમણને દબાવવા કેવી બદમાશી કરી?
લેફ્‌ટ લિબરલ મીડિયા પોતાના માટે જાત-જાતનાં એવાં સૂત્રો વાપરશે કે તમને થશે કે નિર્ભિકપણે પત્રકારત્વ તો આ લોકો જ કરે છે. કરેજ વિથ જર્નાલિઝમ (હિંમતપૂર્વકનું પત્રકારત્વ), બેધડક સત્ય, આૅલ ધ ન્યૂઝ ધેટ ફિટ ટૂ પ્રિન્ટ (છાપવા જેવા બધા સમાચાર છાપવાના), નેવર ગ્રે (ગોળગોળ નહીં લખવાનું, જે છે તે લખવાનું) પરંતુ ૨૦૧૬ની ચૂંટણી પહેલાં, ૨૦૧૬થી ૨૦૨૦ના શાસન દરમિયાન ટ્રમ્પને બેવકૂફ, ગાંડા અને અણઘડ પૂરવાર કરવામાં આ મીડિયાએ કંઈ બાકી નહોતું રાખ્યું. અને એ જ મીડિયાએ ટ્રમ્પના આક્રમણને દબાવવા શરૂઆતમાં કેવા પ્રયત્નો કર્યા હતા? (શરૂઆતમાં એટલા માટે કારણકે પછી તો સત્ય બહાર આવી ગયું હતું.) ‘સીએનએન’ ખૂબ વિશ્વસનીય ગણાય છે. તેણે લખ્યું હતુંઃ “ટ્રમ્પ રેલીમાં પડી જતાં સિક્રેટ સર્વિસના લોકો તેમને સ્ટેજ પરથી ઉતારવા દોડી ગયા.” ‘યુએસ ટૂડે’એ લખ્યુંઃ “ઘોંઘાટે ટ્રમ્પને તકલીફમાં મૂકતાં, સિક્રેટ સર્વિસ તેમને સ્ટેજ પરથી દૂર લઈ ગઈ.” ‘વાશિંગ્ટન પાસ્ટે’ લખ્યુંઃ “રેલીમાં ઘોંઘાટ પછી ટ્રમ્પને દૂર લઈ જવાયા.” આ પછી રાજકીય નેતાઓએ કાર્પોરેટ મીડિયાને પણ અમેરિકી પ્રમુખપદના અભ્યર્થીની હત્યાના પ્રયાસમાં સંલિપ્તતાનો આક્ષેપ કર્યો. પછી એસોસિએટેડ પ્રેસે લખ્યુંઃ પ્રમુખ કે પ્રમુખપદના અભ્યર્થીની હત્યાનો સૌથી ગંભીર પ્રયાસ.”
બાઇડેને ટ્રમ્પ સામેની હિંસા માટે લોકોને ભડકાવ્યા
રાષ્ટ્રપ્રમુખ જા બાઇડેને કહ્યું હતું કે તેઓ ટ્રમ્પને નિશાના પર લેવા માગે છે. તેમણે ટ્રમ્પ પર આક્રમણ બાદ સ્વીકાર્યું કે આવું કહેવું તેમની ભૂલ હતી. ઉપરાષ્ટ્રપ્રમુખ પદના રિપબ્લિકન પક્ષના અભ્યર્થી જેમ્સ ડેવિડ (જે. ડી.) વાન્સે કહ્યું કે આ આક્રમણ માટે બાઇડેન ઉત્તરદાયી છે કારણકે તેમણે કહ્યું હતું કે ટ્રમ્પને ‘કોઈ પણ રીતે’ સત્તામાં આવતા રોકવા જોઈએ.
ભારતમાં નરેન્દ્ર મોદીની હત્યાનો પણ પ્રયાસ
ભારતમાં નરેન્દ્ર મોદી વિશે પણ વિપક્ષોએ આ જ શબ્દો વાપર્યા હતા. ૨૦૧૪ની ચૂંટણી પહેલાં પટનામાં સભા દરમિયાન ત્રાસવાદી બામ્બ ધડાકા થયા હતા જેમાં મોદી માંડમાંડ બચ્યા હતા. તે પછી પાંચ જાન્યુઆરી ૨૦૨૨ના દિને વડા પ્રધાન મોદી ભટિંડાના વિમાન મથકેથી ફિરોઝપુરમાં રેલી સંબોધવા માટે સડક દ્વારા જઈ રહ્યા હતા ત્યારે તેમની વાહનશ્રૃંખલા અડધો કલાક સુધી ફસાયેલી રહી. કેટલાક પ્રદર્શનકારીઓ તેમનાં વાહનોની નજીક પહોંચી ગયા હતા. તે વખતે પંજાબમાં કાંગ્રેસ સરકાર હતી. આ ઘટના પછી સહાનુભૂતિ વ્યક્ત કરવાના બદલે કાંગ્રેસના નેતા શ્રીનિવાસ બીવીએ કટાક્ષમાં લખ્યું હતું, “હાઉ ઇઝ ધ જોશ?” ૨૦૨૦માં દિલ્લી વિધાનસભા ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ મોદી માટે તુંકારો કરતા કહ્યું હતું, “યે જો નરેન્દ્ર મોદી ભાષણ દે રહા હૈ, છહ મહિને બાદ યે ઘર સે બાહર નહીં નિકલ પાએગા, હિન્દુસ્તાન કે યુવા ઇસકો એસા ડંડા મારેંગે, ઇસકો સમઝા દેંગે કિ હિન્દુસ્તાન કે યુવા કો રોજગાર દિએ બિના યે દેશ આગે નહીં બઢ સકતા.” ગત ૧ જુલાઈએ લોકસભામાં ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ વારાણસીમાં મોદીના વાહન પર કંઈક ચીજ ફેંકાતા કહ્યું હતું કે “મોદી સે અબ કોઈ નહીં ડરતા હૈ.” ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૩ના દિને કાંગ્રેસી નેતાઓએ પવન ખેડાની ધરપકડના વિરોધમાં સૂત્ર પોકાર્યું હતુંઃ મોદી તેરી કબ્ર ખુદેગી. ૨૦૧૪ની ચૂંટણીમાં કાંગ્રેસના નેતા ઇમરાન મસૂદે કહ્યું હતુંઃ “ઉત્તર પ્રદેશના મુસલમાનો મોદીને પાઠ ભણાવશે અને તેમના ટુકડેટુકડા કરી નાખશે.” કથિત ખેડૂતોના આંદોલન દરમિયાન પણ મોદીની ઈન્દિરા ગાંધીની જેમ હત્યા કરવાના સૂત્રો પોકારાયાં હતાં. કેટલીક મહિલાઓએ છાતી કૂટતા હોય તેમ ‘મોદી મર જા તૂ’નાં સૂત્રો પોકાર્યા હતાં. એટલું જ નહીં, જો અપેક્ષા કરતા વિપરીત પરિણામ આવે તો કલેક્ટરની હત્યા, કાર્યકર્તાઓને કફન પહેરીને આવવા લાલુના રાષ્ટ્રીય જનતા દળ અને સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવ તેમજ કાંગ્રેસ નેતા પપ્પુ યાદવે અહ્‌વાન કર્યું હતું. પ. બંગાળમાં તો ૨૦૧૮, ૨૦૨૧ અને ૨૦૨૪ એ દરેક ચૂંટણીમાં વિપક્ષી કાર્યકર્તા, નેતાઓની અને સમર્થકોની હત્યાઓ થઈ છે જેમાં ભાજપ, કાંગ્રેસ અને સામ્યવાદી પક્ષોના નેતા-કાર્યકર્તાઓ પણ સમાવિષ્ટ છે. આ બતાવે છે કે આ લેફ્‌ટ-લિબરલો પોતાના વિરોધીઓને સમાપ્ત કરવા કઈ સીમા સુધી જઈ શકે છે.
અમેરિકામાં રિપબ્લિક પ્રમુખોની હત્યાનો ક્રમ
અમેરિકામાં અબ્રાહમ લિંકન, જેમ્સ એ. ગારફિલ્ડ, વિલિયમ મેકકિન્લે અને જાન એફ. કેનેડીની હત્યા થઈ છે, તેમાંથી પહેલાં ત્રણ રિપબ્લિકન પક્ષના હતા. બે પ્રમુખ રાનાલ્ડ રેગન અને થિયોડોર રૂઝવેલ્ટની હત્યાનો પ્રયાસ થયો હતો. આ બંને પણ રિપબ્લિકન પક્ષના હતા. આમાં નવું નામ ટ્રમ્પનું ઉમેરાયું છે. આ પૈકી અબ્રાહમ લિંકને ગૃહયુદ્ધમાંથી અમેરિકાને બહાર કાઢ્યું હતું અને દાસતાની નાબૂદી કરી હતી, અમેરિકી અર્થતંત્રને આધુનિક બનાવ્યું હતું. વિલિયમ મેકકિન્લે મહા મંદી પછી સમૃદ્ધિ પાછી લાવ્યા, સ્પેન સામે વિજય અપાવ્યો, હવાઇ, પુએર્ટો રિકો, ગુઆમ અને ફિલિપાઇન્સ પર આધિપત્ય મેળવ્યું, સુરક્ષાત્મક ટેરિફ ચાલુ રાખી સ્વદેશી ઉદ્યોગોને વિદેશના ઉદ્યોગો સામે બચાવ્યા, મજબૂત કર્યા. થિયોડાર રૂઝવેલ્ટના સમયમાં કાલસા શ્રમિકોએ હડતાળ કરી હતી. તેની અસર ઘર, શાળા અને હાસ્પિટલમાં વીજળી પર પડે તેમ હતી. પહેલી વાર એક પ્રમુખે શ્રમિકોના વિષયમાં હસ્તક્ષેપ કરી તેનો અંત લાવ્યો. જેમ્સ એ ગારફિલ્ડે દાસતામાંથી મુક્ત થયેલા લોકોના નાગરિક અધિકારોના અમલને સુનિશ્ચિત કર્યો હતો. રાનાલ્ડ રિગને અમેરિકામાં મોંઘવારી ઘટાડી હતી, આજીવિકાહીનતાનો દર ઘટાડ્‌યો, સોવિયેત સંઘને ક્યાંય પાછળ છોડી દીધું જે પછી સોવિયેત સંઘના ટુકડાઓ થયા. આમ, રિપબ્લિકન પક્ષના પ્રમુખોએ દેશને મજબૂત કરવાનું કામ કર્યું તો પણ તેમની હત્યા થઈ અથવા પ્રયાસ થયો.
બિલ-હિલેરી ક્લિન્ટન, ઓબામા સમયના કૌભાંડો
બિલ ક્લિન્ટને વ્હાઇટ હાઉસમાં પ્રશિક્ષુ (ઇન્ટર્ન) મોનિકા લેવિન્સ્કી સાથેનું જગપ્રસિદ્ધ લફરું કર્યું હતું જેને તેમણે કાર્ટમાં સોગંદ પર જૂઠાણું બોલી અસ્વીકાર્યું હતું અને તેના માટે તેમને ૯૦,૦૦૦ ડાલરનો દંડ થયો હતો. તેમનાં પત્ની હિલેરી ક્લિન્ટને ૨૦૦૯માં વિદેશ પ્રધાન બનતા પહેલાં પોતાના ઘરે ઇ-મેઇલ સર્વર ઊભું કરી પોતાનું જ અલગ ઇમેઇલ ડામેઇન ઊભું કરી વિદેશ પ્રધાન તરીકે બધા સંદેશાવ્યવહાર તેમાંથી કરેલા જેથી ખાનગી રહે. તેમણે સરકારના ઇ-મેઇલ સરનામાનો ઉપયોગ કર્યો નહોતો. બિલ ક્લિન્ટનના લફરાને ભારતના મીડિયામાં સ્થાન મળ્યું હતું કારણકે પત્રકારોને પોતાને ગલગલિયા થતા હોય છે અને વાચકોને ગલગલિયા કરાવી સર્ક્યુલેશન વધારવું હતું. પરંતુ હિલેરી ક્લિન્ટનના ઇમેઇલ કૌભાંડ વિશે એક અક્ષર પણ છપાયો નથી. આ રીતે ઓબામાના સમયમાં અમેરિકામાં આવેલી મંદી જે પછી વિશ્વ આખામાં પ્રસરી હતી તેના મૂળ કારણ વિશે ભારતના મીડિયામાં એક અક્ષર લખાયો નથી. યથાર્થમાં, ઓબામા રાષ્ટ્રપ્રમુખ બન્યા તે પહેલાં અમેરિકાના શિકાગોમાં વકીલ અને કર્મશીલ (કાર્યકર્તા નહીં, લેફ્‌ટ-લિબરલો પોતાને કર્મશીલ ગણાવતા હોય છે) હતા. એન્ટિ રેડલાઇનિંગ મૂવમેન્ટના જનક જાન મેકનાઇટે તેમને આ નોકરી અપાવી હતી. રેડલાઇનનો અર્થ જાણીએ. નાણા ધીરધાર કરનારી બૅન્ક કે કંપનીઓ જ્યાંથી નાણાં પાછા ન આવે તેવા લોકોને નાણાં સ્વાભાવિક જ નથી આપતી હોતી. અમેરિકામાં તેનો અર્થ એવો કાઢવામાં આવે છે કે જ્યાં જાતિની રીતે અથવા વંશીય રીતે લઘુમતીના લોકો રહેતા હોય ત્યાં લાન ન આપવી. જાન મેકનાઇટે ઓબામા માટે એક તરફેણવાળો પત્ર લખી દીધો હતો જેના કારણે તેમને હાર્વર્ડમાં પ્રવેશ મળી ગયો. (આને કહેવાય ઇકા સિસ્ટમ!) તેઓ સ્નાતક થયા પછી તેમણે શિકાગોની નાગરિક અધિકારોની કંપની માટે કામ કર્યું. આ કંપની મેકનાઇની રેડિકલ ગામાલિએલ ફાઉન્ડેશન અને નેશનલ પીપલ્સ ઍક્શન તેમજ ઍકાર્ન સાથે કામ કરતી હતી. લાનમાં કથિત ભેદભાવના કેસો તે લડતી હતી. કહેવાય છે કે ઓબામાએ પ્રશિક્ષિત કરેલા ગુંડાઓ ભરેલી બસ બૅંકરોના દરવાજે ગઈ હતી અને લઘુમતીઓ માટે વધુ લાન આપવા માગણી કરી હતી. એકાર્ને તો ન્યૂ યાર્કમાં સિટી બૅંકના દરવાજા તોડી નાખ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે તે અશ્વેતો પ્રત્યે ભેદભાવ રાખે છે. આ દબાણ કામ કરી ગયું. સત્તામાં ડેમોક્રેટિક પક્ષના બિલ ક્લિન્ટન જ હતા. તેમના પ્રશાસને લઘુમતીઓને લાન આપવાના નિયમો સરળ બનાવ્યા. ઓબામાએ સિટી બૅન્ક સામે કેસ કર્યો કે તે ત્વચાના આધારે અશ્વેતોને લાન આપવામાં ભેદભાવ કરે છે. ૧૯૯૦ના દાયકામાં આવા ૧૧ કેસો કરાયા હતા. આમાંથી બહાર નીકળવા સિટી બૅન્કે કાર્ટમાં હજારો શંકાસ્પદ સબપ્રાઇમ માર્ગેજ માટે બાંહેધરી આપી. અર્થાત્ આ લાન પાછી આવવાની નહોતી તેવી શંકા હતી. આ શંકા સાચી પડી અને મંદી આવી જેની અસર ભારત સહિત સમગ્ર વિશ્વ પર પડી. ઓબામાના સમયમાં ૨૦૧૦માં વિદ્યાર્થીઓની લાનમાં ખાનગી ધિરાણકારોની ભૂમિકા સમાપ્ત કરી દેવાઈ હતી કારણકે ઓબામા કેર યોજના માટે બજારનું સરકારીકરણ કરી દેવાયું હતું જેવી રીતે ઇન્દિરા ગાંધીએ બૅંકોનું રાષ્ટ્રીયકરણ કરી દીધું હતું. ભારતમાં યુપીએ સરકારની જેમ ઓબામાના સમયમાં વિદ્યાર્થીઓને મોટા પ્રમાણમાં એવી લાન આપી દેવાઈ હતી જે પાછી આવે તેમ નહોતી. આથી તેને બંધ કરવાના બદલે ઉલટું ૨૦૧૨માં ઓબામાએ નવા ધિરાણકાર માટે વિદ્યાર્થીઓની લાન યોજનાની અવધિ વધારી દીધી. એક રીતે મતદારોને લાંચ આપી. બીજો હેતુ દેવાળિયાપણું ઘટાડવાનો હતો. ‘વાલસ્ટ્રીટ જનરલ’ મુજબ ‘ઇતિહાસનું આ સૌથી મોટું એકાઉન્ટિંગ કૌભાંડ’ હતું. આ જ રીતે ૨૦૨૦માં બ્લેક લાઇવ્સ મેટર આંદોલન પછી ચૂંટણીમાં જા બાઇડેને ‘ડિફંડિંગ પોલીસ’ અર્થાત્ પોલીસને બજેટ ઓછું ફાળવવા જાહેરાત કરી હતી પરંતુ ૨૦૨૪માં આ વચનથી ફેરવી તોળ્યું. એટલે કે તેઓ સત્તા માટે જૂઠું બોલ્યા હતા. જા બાઇડેનના પુત્ર હંટર બાઇડેન પર વર્ષ ૨૦૨૩થી ૨૦૧૮ દરમિયાન લાંચની આરોપી એવી એક યુક્રેઇન કંપની પાસેથી અને ચીનમાં છેતરપિંડીના આરોપી વેપારી સાથે કામ કરીને ૧.૧ કરોડ ડાલર લીધા હોવાનો આરોપ છે. પરંતુ ડેમોક્રેટના આ કોઈ કૌભાંડ વિશે તમે ભારતના મીડિયામાં નહીં વાંચો, કારણકે ત્યાં લેફ્‌ટ-લિબરલો જ બેઠા છે. હા, ટ્રમ્પ પરના આરોપો, અનૈતિક સંબંધો વિશે રજેરજ માહિતી અહીંના મીડિયાએ આપી છે.