રાજ્ય સરકાર ટોલટેક્ષમાંથી ધીકતી કમાણી કરી રહી છે ત્યારે એક વખતની જમીન આપી કાયમ માટે આવકનું સાધન ગુમાવનારા ખેડૂતોને તેમાંથી અમુક હિસ્સો આપવાનું સરકાર વિચારે તે જરૂરી છે, તેમ કોંગ્રેસના આગેવાન પાલ આંબલિયાએ જણાવ્યું. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલ પત્રમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને રજૂઆત કરી.
વધુમાં તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો કે ખેડૂતોની જમીન સંપાદન કર્યા બાદ રાજ્ય સરકાર ત્યાં રોડ બનાવી ટોલટેક્ષ લઈ વધુ આવક મેળવે છે. જે રોડ એક સમયમાં સેવાનું માધ્યમ હતું તે હવે એક કોમર્શિયલ પ્રક્રિયા થઈ ગઈ છે અને ગુજરાત નહિ પરંતુ સમગ્ર ભારતમાં આ જ સ્થિતિ જાવા મળી રહી છે. ખેડૂતો સરકારને પોતાની જમીન આપી દે છે ત્યારે તેઓ તેમની કાયમી આવકનું માધ્યમ ગુમાવે છે. કોંગ્રેસ નેતાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે ટોલટેક્ષ બનાવવા કરોડોનો ખર્ચ થાય છે. પરંતુ તેના બાદ તેમાંથી ચારગણી આવક મળે છે. ગુજરાતમાં ૯ જ ટોલટેક્ષની વાત કરીએ તો અમદાવાદ વડોદરા હાઇવે બનાવવાનો કુલ ખર્ચ બે હજાર એક સો પચીસ કરોડ થયો છે તેની સામે અત્યાર સુધીમાં ચાર હજાર નવ સો સાત કરોડ રૂપિયા ટોલટેક્ષના નામે ઉઘરાવી લીધા છે મતલબ ખર્ચ કરતા ડબલ વસુલાત થઈ ગઈ છે. હવે રોડ રસ્તાએ સેવાનું માધ્યમ નહિ પણ એક બિઝનેસ થઈ ગયા હોવાનો આક્ષેપ કર્યો.
જયારે વડોદરા ભરૂચ સેસન એક હજાર સાત સો આઠ કરોડ રૂપિયા હાઇવે બનાવવાનો ખર્ચ સામે ચાર હજાર ચારસો પંચાણું કરોડ રૂપિયા ટોલટેક્ષના નામે વસૂલી લેવામાં આવ્યું. મતલબ કે ખર્ચ કરતા ૪ ગણો ટોલટેક્ષ વસુલવામાં આવ્યો છે. અને ભરૂચ સુરત સેસન એક હજાર પાંચ સો નેવ્યાસી કરોડ રૂપિયા રોડ બનાવવાના ખર્ચ સામે ત્રણ હજાર એક સો નેવું રૂપિયા ટોલટેક્ષ વસુલ કરવામાં આવ્યો છે. તો સુરત વાપી સેસન બનાવવાનો ખર્ચ એક હજાર છસો ત્રાણું કરોડ રૂપિયાની સામે ટોલટેક્ષ વસુલાત એક હજાર નવ સો છપ્પન કરોડ કરવામાં આવી છે.
આ ઉપરાંત સુરત હજીરા સેસન રોડ બનાવવાનો કુલ ખર્ચ એક હજાર પાંચ સો નવ કરોડની સામે ટોલટેક્ષની વસુલાત એક હજાર છસો ચિમોતેર કરોડ રૂપિયા કરવામાં આવી છે. તેમજ ગોધરા -ગુજરાત સ્ઁ બોર્ડર રોડ બનાવવાનો કુલ ખર્ચ સાત સો છીંયાસી કરોડ સામે ટોલટેક્ષની વસુલાત એક હજાર ચાલીસ કરોડ કરવામાં આવી છે. ત્યારે સામખીયાળી – ગાંધીધામ રોડ બનાવવાનો કુલ ખર્ચ આઠ સો પાંચ કરોડ રૂપિયાની સામે ટોલટેક્ષની વસુલાત એક હજાર ચોંત્રીસ કરોડ કરવામાં આવી ચૂકી છે. અને ગારામોર – સામખીયાળી હાઇવે બનાવવાનો કુલ ખર્ચ ત્રણ સો ઓગણચાલીસ કરોડ સામે સાત સો ઇઠ્ઠાસી કરોડ રૂપિયા વસુલાત કરાઈ. તો નર્મદા બ્રિજ સેસન બનાવવાનો કુલ ખર્ચ પાંચ સો સાત કરોડ સામે પાંચ સો નવ્વાણું કરોડ રૂપિયા ટોલટેક્ષ વસૂલાત કરવામાં આવી છે. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે હાઈવે બનાવવાના કુલ ખર્ચની સામે ટોલટેક્ષની વસુલાતથી રાજ્ય સરકારને ચારગણી કમાણી થાય છે.
આ વિગતો દર્શાવે છે કે ખેડૂતો પાસેથી જમીન સંપાદન કર્યા બાદ રાજ્ય સરકાર ટોલટેક્ષ દ્વારા ધીકતો ધંધો કરે છે ત્યારે જેની પાસેથી જમીન લીધી હોય તેને ત્યાંથી પસાર થતા ટોલટેક્ષ આપવો પડે છે. રાજ્ય સરકાર અત્યાર સુધીમાં જેટલું રોકાણ હતું તેનાથી અમુક ટોલટેક્ષ ત્રણ ચાર ગણું વળતર મેળવી ચુક્યા છે અને હજુ વર્ષો સુધી આ જ રીતે કમાણી કરતા રહેશે ત્યારે સવાલ એ છે કે રાજ્ય/કેન્દ્ર સરકાર રોડ રસ્તા નાગરિકોની સુવિધા માટે બનાવે છે તો જેમની જમીન હતી તે ખેડૂતોનો કમાણીમાં હિસ્સો કેમ નહિ ?