લાઠી તાલુકાના ટોડા ગામે જરખીયા જવાના રસ્તે ગેટ પાસે દોહિત્ર મુદ્દે તેના નાનાને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ મુદ્દે જરખીયા ગામે રહેતા ઝવેરભાઈ રામજીભાઈ સાવલિયા (ઉ.વ.૫૮)એ સુરત રહેતા મેહુલભાઈ વિનુભાઈ માલવીયા તથા વિનુભાઈ શંભુભાઈ માલવીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ઝવેરભાઈ સાથે રહેતા તેમની દીકરીના દિકરાને મેહુલભાઈ તથા વિનુભાઈએ અમને આપી દો તેમ કહી જેમફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા અને તેમના હાથમાંથી દોહિત્રને લેવા જતાં જાગૃતિબેન વચ્ચે પડતાં મેહુલભાઈ તેમને ઢીકાપાટુ મારવા લાગ્યા હતા. જે જોઈ તેઓ વચ્ચે પડતાં તેમને પણ બંને આરોપીએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. લાઠી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એસ.જે.કટારીયા વધુ તપાસ કરી રહ્યા છે.