યજમાન દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે ડરબનમાં ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ ૨૭મી ડિસેમ્બરે શરૂ થઈ હતી જેમાં પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં માત્ર ૧૯૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં શ્રીલંકાની બેટિંગ ખૂબ જ નબળી રહી હતી અને સમગ્ર ટીમ માત્ર ૧૩.૫ ઓવરમાં ૪૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ૨ બેટ્‌સમેનોને બાદ કરતાં કોઈ બે આંકડા સુધી પહોંચી શક્યું ન હતું જ્યારે ૫ બેટ્‌સમેન પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહોતા. આ રીતે શ્રીલંકાની ટીમે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પોતાના સૌથી ઓછા સ્કોરનો શરમજનક રેકોર્ડ બનાવ્યો. આટલું જ નહીં છેલ્લા ૧૦૦ વર્ષમાં લંકાના નામે એક અનિચ્છનીય રેકોર્ડ પણ નોંધાયો હતો.
હકીકતમાં, શ્રીલંકાએ છેલ્લા ૧૦૦ વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઓછા બોલનો સામનો કરીને ઓલઆઉટ થવાનો શરમજનક રેકોર્ડ નોંધાવ્યો છે. અગાઉ વર્ષ ૧૯૨૪માં દક્ષિણ આફ્રિકાની ટીમ ઈંગ્લેન્ડ સામેની એજબેસ્ટન ટેસ્ટ મેચમાં માત્ર ૩૦ રનના સ્કોર સુધી મર્યાદિત રહી હતી જેમાં તેણે ૭૫ બોલનો સામનો કર્યો હતો. હવે શ્રીલંકાએ આ રેકોર્ડ તોડી નાખ્યો છે.
શ્રીલંકાને ૪૨ રનમાં આઉટ કરવામાં દક્ષિણ આફ્રિકાના બોલર માર્કો જેન્સનની મોટી ભૂમિકા હતી, જેણે એકલા હાથે ૭ બેટ્‌સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તેણે માત્ર ૬.૫ ઓવરમાં ૧૩ રન આપીને ૭ વિકેટ ઝડપી અને ટેસ્ટ ક્રિકેટના ૧૦૦ વર્ષ જૂના મહાન રેકોર્ડની બરાબરી કરી. યાનસને માત્ર ૪૧ બોલમાં શ્રીલંકાના ૭ બેટ્‌સમેનોને આઉટ કર્યા હતા. આ સાથે, તે ટેસ્ટ મેચની એક ઇનિંગમાં સૌથી ઓછા બોલમાં સંયુક્ત રીતે ૭ વિકેટ લેનાર વિશ્વનો બીજા બોલર બન્યો. તેણે ઓસ્ટ્રેલિયાના બોલર હ્યુ ટ્રમ્બલની બરાબરી કરી હતી. વર્ષ ૧૯૦૪માં હ્યુ ટ્રમ્બુલે ૪૧ બોલમાં ટેસ્ટ ઇનિંગ્સમાં ઈંગ્લેન્ડના ૭ બેટ્‌સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
ટેસ્ટ મેચની ઇનિંગ્સમાં સૌથી ઓછા બોલમાં ૭ વિકેટ લેનારા બોલરો
૪૧ – હ્યુ ટ્રમ્બુલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ૧૯૦૪
૪૧ – માર્કો જેન્સન વિ. શ્રીલંકા, ૨૦૨૪
૪૬ – મોન્ટી નોબલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ૧૯૦૨
નોંધનીય છે કે માર્કો જેન્સન આઇપીએલ ૨૦૨૫માં પંજાબ કિંગ્સ તરફથી રમતા જાવા મળશે.આઇપીએલ ૨૦૨૫ની મેગા ઓક્શનમાં જેન્સનને પંજાબ કિંગ્સે ૭ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આવી સ્થિતિમાં યાનસનનું પ્રદર્શન જાઈને પંજાબ કિંગ્સની ટીમના આનંદનો પાર નહિ રહે.