સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ ધોરણ ૮ સુધી ભણાવતાં તમામ શિક્ષકો માટે ટેટ ફરજિયાત કરવામાં આવ્યું છે, જેના કારણે લાખો સેવારત શિક્ષકોની સેવા–સુરક્ષા જોખમમાં મુકાઈ છે. આ નિર્ણય સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM)એ પ્રધાનમંત્રીને હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. સંગઠનનો દાવો છે કે ૨૦૧૦ પૂર્વે નિયુક્ત શિક્ષકોને ટેટમાંથી છૂટ આપવામાં આવી હતી, પરંતુ ચુકાદાએ આ ભેદને અવગણ્યો છે. પરિણામે અનુભવી શિક્ષકોની સેવાઓ અસુરક્ષિત બની ગઈ છે. ૧૫ સપ્ટેમ્બરે દેશભરના તમામ જિલ્લાઓમાં કલેક્ટરને પ્રધાનમંત્રીને સંબોધિત આવેદનપત્ર અપાશે. ગીર સોમનાથ જિલ્લામાં પણ પ્રતિનિધિ મંડળ કલેક્ટરને મળીને શિક્ષકોની સેવા–સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરશે.








































